Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના એમઆરઆઇની લડત બાદ હવે દ્વારકામાં વેક્સિનેશનની લડત

જી.જી. હોસ્પિટલના એમઆરઆઇની લડત બાદ હવે દ્વારકામાં વેક્સિનેશનની લડત

ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભા યોજાતી ન હોય, દ્વારકાના કલેકટર સામે રોષ વ્યક્ત કર્યો : 18થી 44 વર્ષની વયના લોકો માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રસિકરણની માંગણી

- Advertisement -

જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી એમઆરઆઇ મશીન બંધ હાલતમાં હતું આ અંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં મશીન ચાલુ ન થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જી.જી. હોસ્પિટલ માટે એમઆરઆઇ મશીન ખરીદવાનો નિર્ણય કરાયો છે અને આ માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય વિક્રમભાઇ માડમ આજે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે આ અંગે કલેકટરથી લઇને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ભાણવડ નગરપાલિકાની સામાન્ય સભા યોજાતી ન હોય, આ અંગે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર સામે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે 18 થી 44 વર્ષની વયના લોકોની રસિકરણ પ્રક્રિયા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતાં અને રાજ્યમાં માત્ર દશ જિલ્લામાં જ 18થી 44 વયના લોકોનું રસિકરણ થતું હોવાનું જણાવી આગામી સમયમાં આ બાકી રહેતાં જિલ્લાઓના નાગરિકોને સાથે રાખી લડત ચલાવવા ચિમકી ઉચ્ચારી છે.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં એમઆરઆઇ મશીન બંધ હોય, હાલમાં મ્યુકોરમાઇકોસિસની બિમારી પણ ચાલી રહી હોય. તેના માટે એમઆરઆઇ મશીન ખૂબ જ જરુરી હોય, તેમના દ્વારા ઘણાં સમયથી લડત ચાલી રહી હતી. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો ન હતો. આથી તેમણે ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રી દ્વારા પણ ઉપવાસ આંદોલન કરવું નહીં પડે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એમઆરઆઇ મશીન માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આથી તેમની લડતને સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા, જિલ્લા પંચાયતની સામાન્ય સભા તેમજ બંગાળની ચૂંટણીઓ યોજાઇ શકે છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં દેવભૂમિ દ્વારકાના કલેકટર સામાન્ય સભા યોજવા દેતાં નથી. કોંગ્રેસના વધુ સભ્યો હોવા છતાં અહીં સભા યોજાતી નથી. તેમ જણાવી તેમણે દ્વારકાના કલેકટર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો.

તેમજ આ તકે તેમણે કોરોના રસિકરણને લઇને પણ આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દશ જિલ્લાઓમાં 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવે છે. ત્યારે બાકીના જિલ્લાઓને શું કામ નહીં? દ્વારકા જિલ્લાના 18 થી 44 વયના યુવાનોનો શું વાંક? તેમને શું કામ રસીથી વંચિત રાખવામાં આવે ? આથી આ અંગે આગામી સમયમાં લડત ચલાવવા તેમણે ચિમકી ઉચ્ચારી છે. આ તકે પત્રકાર પરિષદમાં ધારાસભ્યની સાથે જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular