કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ દેશની પ્રજાને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કોરોના અંગે વધુ સતર્ક રહેવાની અપીલ કરી છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે આ ત્રણ મહિનાઓમાં તહેવારો અને લગ્નની સિઝન હોવાથી કોરોનાના કેસો વધી શકે છે. આરોગ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ ન જવા અને વર્ચ્યુઅલ રીતે તહેવારોની ઉજવણી કરવાની સલાહ આપી છે.
ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર વારંવાર જણાવે છે કે કોરોનાની બીજી લહેર હજુ સમાપ્ત થઇ નથી. હજુ પણ દરરોજ દેશમાં 20,000ની આસપાસ કોરોનાના કેસો જોવા મળે છે.નીતિ આયોગના સભ્ય વી કે પૌલે જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં દશેરા, દિવાળી, દુર્ગા પૂજા, ઇદે મિલાદ, નાતાલ જેવા તહેવારો અને લગ્નગાળો આવવાનો હોવાથી લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.
મિઝોરમ, કેરળ, સિક્કિમ, મણિપુર અને મેઘાલયમાં સાપ્તાહિક પોઝિટીવ રેટ પાંચ ટકાથી વધુ છે. 9 રાજ્યોના 34 જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવ રેટ દસ ટકાથી વધારે છે. વિશ્ર્વમાં હજુ પણ કોરોનાના દૈનિક કેસો 4.54 લાખની આસપાસ જોવા મળી રહ્યાં છે.
આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22,431 કેસો સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,38,94,312 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 318 લોકોના મોત થતાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,49,856 થઇ ગઇ છે. આજે થયેલા 318 મોત પૈકી કેરળમાં 134 મોત અને મહારાષ્ટ્રમાં 90 લોકોનાં મોત થયા છે.
ઉલ્લેખનિય છે કે કોરોનાના નવા કેસો છેલ્લા 13 દિવસથી 30,000થી નીચે જોવા મળી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા 92.63 કરોડને પાર થઇ ગઇ છે. મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1302 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 263 કેસ બાળકોના છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં છ લોકોનાં મોત થયા છે. મિઝોરમના ઐઝવાલ જિલ્લામાં સૌથી વધુ 728 કેસો જોવા મળ્યા છે.
તહેવારોની સિઝન વધારી શકે છે કોરોના કેસ
24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 22,431 કેસ, 318નાં મોત : ભીડવાળી જગ્યાએથી બચવા અને વર્ચ્યુઅલ રીતે તહેવારોની ઉજવણી કરવા આરોગ્ય મંત્રાલયની લોકોને સલાહ