જામનગર મહાનગરપાલિકા દ્વારા 12 કર્મચારીઓને વિવિધ શાખામાં બઢતી આપવામાં આવી છે તાજેતરમાં સોલિડ વેસ્ટ વિભાગના 35 સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા છે, જુદી જુદી શાખાના વર્ગ-3 ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવતા હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની સૂચના અને માર્ગદર્શન અનુસાર ટેકનિકલ તેમજ વહીવટી કેડરમાં વર્ગ-4માંથી વર્ગ -3 ની કેડરના અને વર્ગ 3ની કેડરના જુદા – જુદા કર્મચારીઓની બઢતી આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેનકમ ડ્રાઇવરને સ્ટેશન ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી છે તેમજ વહીવટી વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતા કર્મચારીને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે ઉપરાંત વોટર વર્કસ વિભાગમાં વોટર વર્કસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા કર્મચારીને વોટર વર્કસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય 9 કર્મચારીઓ વોટર વર્કસ વિભાગમાં વર્ગ-4માં વાલ્વ મેન તરીકે કામ કરતા હતા તેઓને વોટર વર્કસ સબ ઇન્સ્પેક્ટર તરીકે વર્ગ -3માં પ્રમોશન આપવામાં આવ્યા છે તેમજ સોલિડ વેસ્ટ વિભાગમાં 35 જેટલા સફાઈ કામદારોને કાયમી નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે જામનગર મહાનગરપાલિકામાં વર્ગ-3 ના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવતા તેમજ વોટર વર્કસ વિભાગમાં વર્ગ-4 ના કર્મચારીઓને વર્ગ 3 માં બઢતી આપવામાં આવતા જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
ફાયર શાખામાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે કાયમી નિમણૂક અપાઇ
વર્કશોપમાં ખાલી પડેલી જગ્યામાં ઇન્ચાર્જ મુકાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર શાખામાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે કાયમી નિમણૂંકની સાથે સાથે વર્કશોપમાં ખાલી પડેલી જગ્યામાં ઇન્ચાર્જ તરીકે પણ નિમણૂંક કરવામાં આવી છે. દિવાળી પૂર્વે આ નિમણૂંકોને લઇ કર્મચારીઓમાં ખુશીઓનો માહોલ છે.
જામનગર મહાનગરપાલીકાના કમીશનરવિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ દ્વારા જામનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમા સ્ટેશન ફાયર ઓફીસરની ખાલી પડેલી જગ્યા ઉપર જામનગર મહાનગરપાલીકાની ફાયર શાખામા ફરજ બજાવતા અને આ જગ્યાની લાયકાત ધરાવતા સીનીયર કર્મચારી જયંતીભાઈ ડામોરને સ્ટેશન ફાયર ઓફીસર તરીકે કાયમી નિમણૂક પત્ર પાઠવી બઢતીનો હુકમ કરવામાં આવ્યો છે, ઉપરાંત સ્ટેશન ફાયર ઓફીસર (વર્કશોપ) તરીકે ફરજ બજાવતા સીનીયર ઓફીસર સી.એસ.પાંડીયનને થોડા સમય પહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે બઢતી અપાયા બાદ ખાલી પડેલી આ જગ્યાનો ચાર્જ સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રાકેશ આર.ગોકાણીને આપવામા આવ્યો છે.