Sunday, December 22, 2024
Homeરાજ્યહાથમાં બલ્બ લઇ ખંભાળિયાના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

હાથમાં બલ્બ લઇ ખંભાળિયાના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વિજપોલ ઉભા કરતી જે.કે.ટી.એલ. કંપની સામે ખેડુતો દ્વારા તેમને થતા કથિત અન્યાય સામે છેલ્લા ચાર દિવસથી સતત લડત આપી રહ્યા છે. શનિવારે પણ ખંભાળિયામાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં એકત્ર થઈને ચર્ચાઓ કરી, આગામી દિવસોમાં કંપની સામે લડત આપવા માટે કાયદાકીય માહિતી એકત્રિત કરી, કાયદા મુજબ પણ લડતની સાથે સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનાત્મક લડત કરવાનો પણ નીર્ધાર કર્યો હતો.

શનિવારે ખેડૂતોને માર્ગદર્શીત કરવા અમદાવાદથી ખેડુત આગેવાન સાગરભાઈ રબારી અને સુરેન્દ્રનગરથી રાજુભાઈ કરપડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ મીટિંગ બાદ અનોખા વિરોધ સાથે અહીંના જિલ્લા કલેકટરને સવિસ્તૃત આવેદન આપ્યું હતુ. આવેદનપત્ર આપવા જતા સાથે ખેડૂતોએ હાથમાં ડીમ બલ્બ પકડીને સરકારની ખેડૂતો પ્રત્યે ઓરમાયું અને સામે ઉદ્યોગકારો પ્રત્યે કુણું વલણ વાળી નિતી પર પ્રકાશ પાડતા હાથમાં ડીમ બલ્બ લઈ, ખેડૂતોની વાત આવે એટલે સરકાર ડીમ થઈ જાય છે. જ્યારે ઉદ્યોગકારોને આપવાની વાત આવે એટલે સરકાર પ્રજ્વલિત થઈ ફૂલ પ્રકાશિત થાય છે. તેવું પ્રતિકાત્મક રીતે વ્યક્ત કર્યું હતું.

આવેદનપત્રમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી નિતીના ઉલ્લેખ સાથે કચ્છમાં નખત્રાણા મામલતદાર ઇલેક્ટ્રિકસીટી એક્ટ 2003 અને ધ ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ નિર્ણય કરી ખેડૂતોના ખેતરમાંથી માત્ર વીજ વાયર પસાર થતા હોય એને જંત્રી મુજબ નહિ પણ મીટરના 900 અને 950 રૂપિયા, વીજ પોલ હોય એવા ખેડૂતોને 37 લાખ રૂપિયા આપવાના હુકમ કરે જ્યારે દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ 2017 ના પરિપત્રને આગળ કરી એ મુજબ એટલે કે જંત્રી ભાવે વળતર ચૂકવવા આદેશ કરે ત્યારે 2017 નો વળતર અંગેનો પરિપત્ર રદ્દ કરી 2003 ના ઇલેક્ટ્રિકસીટી એક્ટ અને ધ ટેલિગ્રાફ એક્ટ 1885 માં ફૂલ વળતરની જોગવાઇ છે. એટલે કે પરિપત્ર મુજબ વળતર નહિ પણ કાયદા મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

- Advertisement -


આવેદનપત્રમાં જણાવાયા મુજબ ખાનગી કંપની દ્વારા પોલીસને આગળ કરી, ધાક ધમકીઓ આપીને ખેડૂતોની મરજી વગર વીજ પોલ ઉભા કરવામાં આવે છે. ત્યારે કબજો, માલિકી હક્ક, સ્થળ, સ્થિત અને સાચી પરિસ્થિતિ જાણ્યા વગર પોલીસ પ્રોટેક્શન આપવું ન જોઈએ. જમીન માપણીની ભૂલોના કારણે કબજો છે એનો માલિકી હક્ક નથી અને જ્યાં માલિકી હક્ક છે ત્યાં કબજો નથી આવી પરિસ્થિતિમાં વીજ પોલ આવે છે બીજાના ખેતરમાં અને વળતર મળે છે બીજાને આ પરિસ્થિતિમાં પહેલા જમીન માપણીની ભૂલો સુધરે પછી જ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની પરવાનગી પછી જ કંપની પ્રવેશ કરે ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે.

આગામી દિવસોમાં વિવિઘ મુદ્દે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનાત્મક લડત કરવાની રણનીતી તૈયાર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વીજપોલ કંપની સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ લાઇન જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં બે દિવસની પદયાત્રા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ લડત માત્ર દ્વારકા જિલ્લા પૂરતી સિમિત ન રહે પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાત, ક્ચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ લડતના મંડાણ થાય, સાથે પરિપત્ર રદ્દ કરવાની વ્યાપક માંગ આખા ગુજરાતમાં ઉભી થાય તે બાબતે લડત અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં હાથધરવામાં આવેલા આ આંદોલનમાં સાગર રબારી, પાલભાઈ આંબલિયા, રાજુભાઈ કરપડા, દેવુભાઈ ગઢવી, ગિરધારભાઈ વાઘેલા, રાકેશ નકુમ, ધવલભાઈ વોરલિયા, મંડાણભાઈ ગઢવી, એભાભાઈ કરમુર, સહીતના આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular