Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારકાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયાના ખેડૂત પરિવારને પોલીસે બેરહેમીપૂર્વક માર્યા

કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયાના ખેડૂત પરિવારને પોલીસે બેરહેમીપૂર્વક માર્યા

જેટકો કંપનીની કામગીરી અટકાવવા જતાં મામલો બીચકયો : ખેડૂત પરિવાર દ્વારા એસ.પી.ને રજૂઆત: જેટકો કંપનીની ફરજમાં રૂકાવટ કરી કર્મચારીને લમધાર્યા : ખેડૂત પરિવાર સામે રાયોટીંગનો ગુનો નોંધાયો

- Advertisement -

કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામના વાડી વિસ્તારમાં જેટકો દ્વારા ખેતરમાં મંજૂરી વગર કરવામાં આવતું કામ અટકાવવા જતાં જેટકોના અધિકારીઓ સાથે રહેલાં પોલીસે સમાધાન માટે ખેડૂત પરિવારને બોલાવી ઢોરમાર માર્યો હતો. આ પ્રકરણમાં ખેડૂત પરિવારે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સામાપક્ષે જેટકોના અધિકારીઓ દ્વારા ખેડૂત પરિવારે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હુલ્લડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામની સીમમાં આવેલી માવજીભાઇ પોપટભાઈ કપુરીયા નામના ખેડૂતના ખેતરમાં ગત તા.1 ના રોજ સવારના સમયે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા ગયા હતાં. જો કે, માવજીભાઈ અને જેટકો કંપનીનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે તેવા સમયે કંપની દ્વારા ખેડૂત પરિવારને સમાધાનના બહાને બોલાવી માવજીભાઈ, જયેશભાઈ, ભાવેશભાઈને પોલીસની હાજરીમાં ધાકધમકી આપી હતી. તે સમયે ભાવેશભાઈનો સગીર પુત્ર વાડીમાં આવ્યો હતો ત્યારે પોલીસે સગીરને તથા જયેશભાઈને બેહરમીપુર્વક માર મારી પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં અને ધાકધમકી આપી સગીરની કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપી નોટરી લખાણ કરાવી લીધું હતું. આ પ્રકરણમાં ખેડૂત પરિવારે પોલીસ અધિક્ષકને અરજી આપી તટસ્થ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

સામાપક્ષે જેટકો કંપનીના બંસીભાઇ કિશોરભાઈ ગોહેલ તથા તેમના સ્ટાફના કર્મચારીઓ ભાયુ ખાખરીયા ગામના જૂના રેવન્યુ સર્વે નંબર 66 તથા પ્રમોલગેશન નવા સર્વે નંબર 85 વાળીમાં વીજપોલ નાખવાની કામગીરી કરતાં હતાં તે દરમિયાન વાડી માલિક માવજીભાઈ પોપટભાઈ કપુરીયા, ભાવેશ માવજીભાઈ કપુરીયા, હર્ષિદાબેન ભાવેશ કપુરીયા, જયેશ માવજીભાઈ કપુરીયા તથા સગીર સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી કંપનીના વાડીએ આવી કંપનીના અધિકારી અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી અહીંયા થાંભલા નાખશો તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી તેમજ જયેશભાઈ દ્વારા પાઈપ વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે જેટકો કંપનીના બંસીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એમ. કાતરીયા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુલ્લડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular