કોરોના મહામારી સામે આખો દેશ ઝઝૂમી રહ્યો છે. સરકાર સામે દેશની આર્થિક સ્થિતિની પણ ચિંતા છે અને જો કોરોનાને કારણે અર્થતંત્રને માઠી અસરનો ખતરો ઉભો થયો તો ઉગારવા માટે વધુ એક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી સંભાવનાનો સંકેત નીતિ આયોગે આપ્યો છે. નીતિ આયોગ અનુસાર દેશે વપરાશકાર અને રોકાણ મામલે વધુ અનિશ્ચિતતા માટે તૈયાર રહેવાની જરૂર છે. જરૂર પડયે સરકાર આર્થિક ઉપાયો સાથે હાલતનો સામનો કરશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની પહેલી લહેર વખતે કેન્દ્ર સરકારે રૂ.ર0 લાખ કરોડનું મહાકાય આર્થિક પેકેજ જાહેર કર્યુ હતુ.
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવકુમારે કહ્યું કે કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને કારણે સ્થિતિ અગાઉની તુલનાએ મુશ્કેલ બની છે. કેસ અને મૃત્યુઆંક વધતાં વિવિધ રાજય સરકારોએ લોકોના આવાગમન પર નિયંત્રણો મૂકવાની ફરજ પડી છે. દેશ સંપૂર્ણ રીતે કોરોનાને હરાવવાને આરે હતો પરંતુ બ્રિટન અને અન્ય દેશોના કોરોના સ્ટ્રેને સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર 11 ટકાનો વિકાસ દર હાંસલ કરશે. સર્વિસ સેકટર સહિત અનેક ક્ષેત્રો પર કોરોના મહામારીનો પ્રત્યક્ષ પ્રભાવ પડવા સાથે આર્થિક ગતિવિધિઓ પર તેની અપ્રત્યક્ષ અસરો જોવા મળશે. તેવામાં વપરાશકાર અને રોકાણકાર બંન્નેએ તૈયાર રહેવું પડશે. પરિસ્થિતિ અનુસાર નાણા મંત્રાલય આરબીઆઈની જેમ પ્રોત્સાહક પગલાં ઉઠાવશે.