દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગઈકાલે તેમના નવા મેયર મળ્યા છે. આપ પાર્ટીની ઉમેદવાર શેલી ઓબેરોય દિલ્હી MCDના નવા મેયર બન્યા છે. અનેક અડચણો બાદ મેયરની ચુંટણી થઈ હતી પરંતુ તે પછી યોજાવનારી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અટકી છે. અત્યાર સુધીમાં 250 માંથી માત્ર 47 કાઉન્સિલરોએ જ પોતાનો મત આપ્યો છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચ કાઉન્સિલરોએ પોતાનો મત આપ્યો છે પરંતુ બેલેટ પેપર પરત કર્યા નથી. જેના કારણે ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.
ગૃહમાં કાઉન્સિલરોએ એકબીજા પર બોટલ ફેંકતા દેખાયા હતા. ત્યાં ભાજપ અને આપના ઉમેદવારો ઝપાઝપી સુધી આવી ગયા હતા. આ દરમિયાન ગૃહમાં કાઉન્સિલરોએ એકબીજા પર પાણી પણ ફેંક્યું હતું. ગૃહમાંથી આવેલા વીડિયોમાં કાઉન્સિલરો એકબીજા પર પાણીની બોટલો પણ ફેંકી રહ્યા છે. હંગામાને કારણે થોડા સમય પહેલા ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ભારે હોબાળો થયો અને તે મારામારી સુધી પણ પહોંચી ગયો. આ તમામ હોબાળો સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને થયો છે. ગઈકાલ રાતથી લઈને આજ સવાર સુધી ગૃહની કાર્યવાહી છ વખત સ્થગિત કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થતાં જ કાઉન્સિલરોનો હોબાળો શરૂ થઈ ગયો હતો. આજે સવાર સુધી ગૃહમાં સમયાંતરે ગરમાગરમી વાળો માહોલ જોવા મળ્યો હતો. મહિલા કાઉન્સિલરો પણ એકબીજા સાથે મારપીટ કરતા રહ્યા હતા. હંગામાને જોતા, એડિશનલ ડીસીપી શશાંક જયસ્વાલે સિવિક સેન્ટરની મુલાકાત લીધી છે.