જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં પૌત્રી બાદ સારવારમાં દાદાનું મૃત્યુ નિપજતા કુલ મૃતાંક ત્રણ થયો છે. જ્યારે ઘવાયેલા 3 વ્યકિતઓમાંથી એક બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ, શાપર ગામના પાટીયા નજીક રવિવારે બપોર પછીના સમયે બે કાર અને એક બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પીએસઆઈ એ.વી. સરવેયા તેમજ સ્ટાફના હિતુભા જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જ્યારે સારવારમાં ખસેડાયેલા ઈજાગ્રસ્તોને બાઈક ચાલક લાલપુરના વતની કરશન સામજીભાઈ ચુડાસમા (ઉ.વ.65) અને જામનગરના સ્નેહાબેન રમેશભાઈ લાડવા (ઉ.વ.20) ની સારવાર કારગત નિવડે તે પહેલાં જ મૃત્યુ થયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા જીવણલાલ વિરજીભાઈ લાડવા (ઉ.વ.79) નામના વૃધ્ધ પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા એક જ પરિવારના દાદા-પૌત્રીના મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જ્યારે મૃતક કરશનભાઈ ચુડાસમા 10 વર્ષના પૌત્રને પણ ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સારવારમાં ખસેડાયો છે.