જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવાયેલી પંજુપીર દરગાહનું દબાણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરી દૂર કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના જીવાદોરી સમાન એવા રણજીતસાગર ડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પંજુપીર દરગાહ બનાવી લેવામાં આવી હતી. ડેમના વિસ્તારમાં પાણીનો જથ્થો ઓછો થયો હતો ત્યારે ધીમે-ધીમે ગેરકાયદેસર દબાણ કરી શરૂઆતમાં એક મજાર બનાવી હતી. પરંતુ ત્યારબાદ ત્રણ થી ચાર ગેરકાયદેસર મજારો ખડકી દેવામાં આવી હતી. આ ગેરકાયદેસર દબાણ અંગે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગેરકાયદેસર દબાણ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માંગણી કરી હતી. ત્યારબાદ 2022 માં આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો ઓર્ડર થયો હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. બાદમાં ફરીથી હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ટીમે બુધવારે સાંજના સમયે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રણજીતસાગર ડેમમાં બનાવેલી દરગાહનું દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર બનાવેલી દરગાહ સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા હિન્દુ સેના દ્વારા જિલ્લા પોલીસવડા અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.