ફેબ્રુઆરી 2020માં ઉમેદવારી પત્ર ભરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલાં ઉમેદવારના અપરાધિક રેકોર્ડને જાહેર કરવાનો સુપ્રીમે આદેશ આપ્યો હતો. હવે રાજકીય પાર્ટીઓએ એ પણ સ્પષ્ટતા કરવી પડશે કે તેમણે અપરાધિક છબિ ધરાવતા ઉમેદવારની શા માટે પસંદગી કરી છે અને તેમની વેબસાઇટ પર ઉમેદવારના અપરાધિક રેકોર્ડ અને તેની પસંદગીનાં કારણો જાહેર કરવા પડશે. સુપ્રીમ કોર્ટે મતદારોને ઉમેદવારો અંગેની માહિતી સહેલાઇથી ઉપલબ્ધ બને તે માટે મોબાઇલ એપ શરૂ કરવાનો આદેશ ચૂંટણી પંચને આપ્યો છે.
બીજી તરફ મુખ્ય ન્યાયર્મૂતિ એન વી રમન્નાના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, હાઇકોર્ટની મંજૂરી વિના કોઇપણ સાંસદ કે ધારાસભ્ય સામેનો કેસ પાછો નહીં ખેંચવાનો આદેશ આપવાનું અમને યોગ્ય લાગી રહ્યું છે. સીટિંગ તેમજ પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના આરોપો પડતા મૂકવાના સંખ્યાબંધ રાજ્ય સરકારોના પ્રયાસો ઉજાગર કરતા અદાલતના મિત્ર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે આ નિર્દેશ અપાયો છે.
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની ધારા 321 અંતર્ગત કોઇપણ આરોપી સામેના ક્રિમિનલ કેસ પાછા ખેંચવાની સત્તાના રાજ્યો દ્વારા થતા દુરૂપયોગ પર સુપ્રીમના આદેશથી કાપ મુકાઇ ગયો છે. અદાલતના મિત્ર અને સિનિયર એડવોકેટ વિજય હંસારિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સીઆરપીસીની ધારા 321 અંતર્ગત કેસ પાછા ખેંચવા અંગે સરકારોને યોગ્ય આદેશ જારી કરવામાં આવે.
સુનાવણી દરમિયાન સીબીઆઇની આકરી ટીકા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોમાં તપાસની માહિતી સીબીઆઇ આપી રહી નથી. સપ્ટેમ્બર 2020થી સુપ્રીમ કોર્ટ આ અંગે સીબીઆઇને આદેશો આપી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમારી પાસે કોઇ શબ્દો નથી. અમે જેટલા આદેશ આપી શક્તા હતા તેટલા આપી ચૂક્યા છીએ. હવે અમારે ચોક્કસ બાબતોની ધારણાઓ જ બાંધવાની છે. અમે કેન્દ્ર સરકારની ગંભીરતા જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઇ પ્રયાસ કરાયો નથી.
જનપ્રતિનિધિઓ સામે પાછા ખેંચાયેલા કેસ ઓગસ્ટ 2020માં કર્ણાટકની ભાજપ સરકારે સીટિંગ ધારાસભ્યો સામેના 61 ક્રિમિનલ કેસ પાછા ખેંચ્યા હતા. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર સાધ્વી પ્રાચી, ધારાસભ્યો સંગીત સોમ, સુરેશ રાણા, કપિલ દેવ સામેના કેસ પાછા ખેંચી ચૂકી છે. ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્રની સરકારે 31 ડિસેમ્બર 2019 પહેલાં નોંધાયેલા રાજકીય કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.