જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જેટલા કેસ આખા દેશમાં નહોતા નોંધાતા તેના કરતા બમણા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાતા કેસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજયમાં ગુરુવારે 43,183 કેસ નોંધાયા છે. જે કોરોનાની મહામારી આવ્યા પછીના રાજયમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
રાજયમાં નવા નોંધાયેલા 43,000 કરતા વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો 28,56,163 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં વધુ 249 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જેની સાથે કુલ મૃત્યુઆંક 54,898 પર પહોંચ્યો છે.
રાજયના હેલ્થ બુલેટિન મુજબ પાછલા 24 કલાકમાં 32,641 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 24,33,368 લોકો કોરોનાને માત આપી ચુકયા છે. રાજયમાં એકિટવ કેસની સંખ્યા 3,66,533 છે.
મહારાષ્ટ્રની સાથે રાજયની રાજધાની મુંબઈમાં પણ રેકોર્ડ 8,646 નવા કેસ નોંધાયા છે. આ અઠવાડિયા પહેલા મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, ’સંપૂર્ણ’ બંધ નહીં કરાય, પરંતુ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવશે, જેથી કરીને કોરોનાની ચેનને તોડી શકાય.
જે રીતે રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા રાજય સરકારે મહારાષ્ટ્રમાં નાઈટ કફર્યૂ લાદી દીધો છે. આ સિવાય સરકારે રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી એક સાથે 5 લોકોએ ભેગા ના થવું તેવી પણ સૂચના આપી છે. બીચ અને સી-ફ્રન્ટ્સ રાતના 8થી સવારના 7 સુધી બંધ રહેશે. આ સાથે તમામ સિનેમા ઘર, મોલ, રેસ્ટોરન્ટ્સ અને નાટ્યગૃહો રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બંધ જ રહેશે.