જામનગર શહેરમાં વોર્ડ નં. 9માં ભૂગર્ભ ગટરની સમસ્યા લોકોને પરેશાન કરી રહી હોય. અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં વોર્ડ નં. 9નાં ભાજપાના કોર્પોરેટર દ્વારા સ્વખર્ચે ગટર બનાવવાની તૈયારી દર્શાવી આ અંગે મંજૂરી આપવા જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી રજુઆત કરી છે.
જામનગર શહેરના વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરાએ મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં. 9માં આવેલ આણદાબાવાના ચકલાથી દેવબાગ થઇ કલ્યાણજીના મંદિર તરફ જતાં રસ્તામાં છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી ભૂગર્ભ ગટર છલકાવવાના પ્રશ્ર્ન અંગે તેઓ દ્વારા તથા વોર્ડના એએસઆઇ દ્વારા ભૂગર્ભ ગટર શાખામાં લેખિત-મૌખિક અને ટેલિફોનિક મેસેજ દ્વારા અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં આ પ્રશ્ર્નનો નિકાલ આવતો નથી.
ભૂગર્ભ ગટર શાખાનો એન્જિનિયર દ્વારા અહીં નવી ગટર બનાવવી પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. આમ છતાં નવી ગટર બનાવવામાં આવતી નથી. જો જામનગર મહાનગરપાલિકા પાસે નાણાની જોગવાઇ ન હોય તો કોર્પોરેટર દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના રહેવાસીઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અને તે માટે મંજૂરી આપવા માગણી કરી છે.
આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં જૈન સમાજના દેરાસર, ઉપાશ્રયો તેમજ ગણપતિનું મંદિર પણ આવેલું છે. જૈન સમાજના સાધુ-સંતો અને શ્રાવકો ખુલ્લા પગે દેરાસર જતાં આવતાં હોય, તેમને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે. આટલી હદે મુશ્કેલી હોવા છતાં આ સામાન્ય પ્રશ્ર્નનો છ માસથી ઉકેલ આવતો નથી. તે બાબત ખૂબ જ આઘાતજનક છે. અહીં જ્યારે ગટર બની હતી. ત્યારે લાઇન લેવલ વગર બની હતી. ગટર બન્યા બાદ આ વિસ્તારમાં કોઇ મહાકાય બિલ્ડીંગો બન્યા નથી તેમજ નવા જોડાણો આપ્યા નથી. તેમ છતાં આ ગટર વારંવાર છલકાઇ છે. આથી કામ ચાલુ હતું ત્યારે યોગ્ય સુપરવિઝન થયું નથી. આથી ગટરના આ પ્રશ્ર્નો અંગે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પણ કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા માગણી કરવામાં આવી છે.