કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં પવનચકકીની સાઈટ પર ચાર શખ્સોએ આવી કોન્ટ્રાકટની બાબતે યુવાન ઉપર તલવાર, પાઈપ અને લાકડી વડે હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતાં નાનજીભાઇ દેવશીભાઈ પરમાર અને તેના ભાગીદાર પ્રવિણભાઈ મનજીભાઇ વઘેરાને ઓપેરા ઈન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીમાં પવનચકકીના ખાડા ગાળવા તથા રસ્તા બનાવવા માટેનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જેથી કોન્ટ્રાકટરો દ્વારા કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં આવેલા સર્વે નંબર 229 પૈકી 2 નીતાબેન પરસોતમભાઈ વિરાણીની જગ્યામાં ખાડા ગાળવાનું કામ ચાલુ કર્યુ હતું. દરમિયાન સાઈટ પર રવિવારે સવારના સમયે લાલો ભરત ભરવાડ, દિગુભા મહાવીરસિંહ જાડેજા, રાજુ નારણ રબારી અને જીતુભા બચુભા જાડેજા નામના ચાર શખ્સોએ એકસંપ કરી સાઈટ પર આવી નાનજીભાઈ પરમારને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી, લોખંડના પાઈપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા હુમલાખોરોએ પવનચકકીનું કામ બંધ કરાવ્યું હતું.
ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઈજાગ્રસ્ત નાનજીભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


