ભારતમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાઓનો ઉદેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ કદી સફળ થવા નહીં દે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મિડીયાને એક નિવેદનમાં જણાવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં અને એ પણ ગાંધી, સરદારની ભૂમિ પર ગાંધી વિચારને ખતમ કરીને ગોડસેની વિચારધારાનું જે શાસન ચાલે છે. એનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે, જામનગરમાં હિન્દુ સેનાના નામે ભાજપ સમર્પિત લોકો દ્વારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એનો ઢંઢેરો પીટવામાં આવે છે કે, ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના છીએ. જેનાથી જે થાય તે કરી લે અને કાયદા વિરુધ્ધ જઇને આ પ્રતિમા પ્રસ્થાપિત થતી હોવા છતાં ભાજપ સરકારના નેતાઓ, તેમનું તંત્ર અને પ્રશાસન મુખપ્રેક્ષક બની ગાંધીની ભૂમિ ઉપર ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત થવા દે છે. ચોક્કસ ગર્વ સાથે કહેવું પડે અને જામનગરની જનતાને અભિનંદન આપવા પડે કે, તેમણે ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમાને તોડી નાખવાનું આખુ જે અભિયાન હતું તેને સમર્થન કર્યું.
ગુજરાતના લોકોએ ફરી બતાવી દીધું છે કે, તમારી વિચારધારા ભલે ગોડસેને સમર્થન કરવાવાળી હોય, ગાંધીજીના હત્યારાને સમર્થન કરવાવાળી હોય પણ ગુજરાતમાં લોકો ક્યારેય ચલાવી નહીં લે કે, ગાંધીની ભૂમિ પર, ગાંધીના હત્યારા ગોડસેનું કોઇ સ્ટેચ્યુ મૂકવામાં આવે. આજે જામનગરનો બનાવ છે. આવતીકાલે ગુજરાતમાં કોઇપણ ખૂણે, કોઇપણ એવી હિંમત કરશે તો કોંગ્રેસનો કાર્યકર અને ગુજરાતની જનતા દ્વારા આ ગાંધીજીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમા ક્યાંય મૂકવા દેવામાં આવશે નહીં અને એની વાત પણ નહીં થવા દેવાય. આ પ્રકારની જે પણ હિંમત કરશે એને કરારો જવાબ આપવામાં આવશે. ભારત દેશમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાનો ઉદ્ેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહીં થવા દે.