અમદાવાદના એક સિનિયર આઇપીએસના પત્નીએ ચાર વર્ષ પહેલાં નોકર સોનુ પટેલ(ઉ.વ.23) વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારના સમર્પણ ફલેટ ખાતે 2017ની પહેલી ફેબ્રુઆરીએ તેણીએ પોતાના મકાનના ડાઇનિંગ રૂમ અને ડ્રોઇંગ રૂમમાં ઘરના સભ્યોની ગેરહાજરીમાં રાત્રીના સમયે સોનુ નામના આ શખ્સને જોયો હતો અને તેણીએ ત્યારે રાડો પાડતા આ શખ્સ મુખ્ય દરવાજેથી બહાર જતો રહ્યો હતો.
આ ફરિયાદ નોંધાયાના બીજા દિવસે અન્ય એક આઇપીએસ અધિકારીની સગીર પુત્રી સાથે અયોગ્ય વર્તન કરવા અંગે આ નોકર વિરૂધ્ધ હત્યાના પ્રયાસની કલમ અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
આ કેસ અદાલતમાં ચાલ્યો ત્યારે અદાલતે 9 સાક્ષીઓને તથા 13 દસ્તાવેજી પુરાવાઓને તપાસ્યા હતાં. જેમાં એફએસએલના રિપોર્ટનો પણ સમાવેશ થતો હતો. આ રિપોર્ટમાં પગલાંની છાપ અને હાથની છાપ લેવામાં આવી હતી. પરંતુ અદાલતમાં પુરાવાઓની તપાસ દરમ્યાન એક પણ પુરાવો બનાવના કથિત સમયે સોનુ પટેલની તે સ્થળે હાજરી પુરવાર કરી શકયો ન હતો. આ ઉપરાંત અદાલતના કેટલાંક સાક્ષીઓએ પોતાના નિવેદનો પર બદલાવી નાખ્યા હતાં.
સમગ્ર કેસની દલીલો બાદ અદાલતે જણાવ્યું હતું કે, પ્રોસિક્યુશન આ નોકર વિરૂધ્ધની કોઇ વાતને પૂરવાર કરી શકયું નથી. તેથી સોનું પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.