જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. જામનગર સામાજિક ફરજ નિભાવવા હંમેશા અગ્રેસર રહી છે. હાલ સમગ્ર દેશ અને દુનિયા ‘કોરોના’ના બીજા વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીથી ચિંતિત છે.
આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલો, માનવ સેવા કરતી સંસ્થાઓ અને અન્ય સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહેલ જ છે. ધી કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ. જામનગરે આ વર્ષે 50માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. જેના ભાગરુપે બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ ગોલ્ડન જ્યુબેલિ (સુવર્ણ જયંતિ) વર્ષની ઉજવણી કરવા અગાઉ વિચારેલ પરંતુ હાલની કોરોના મહામારી અને કોવિડ-19ના કારણે આ વર્ષમાં બેંકના ઉજવણીના કાર્યક્રમો થઇ શકેલ નથી. પરંતુ અનુદાનથી સેવાના કાર્યો અવિરત ચાલુ રાખેલ છે. જેના ભાગરુપે બેંક દ્વારા જામનગર પાંજરાપોળને ગાય માતાના નિભાવ માટે સદર સંસ્થાના જીવદયાના આ કાર્યમાં મદદરુપ થવાના હેતુસર રૂા. 25,000નો ચેક બેંકના ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેકટર મહેશભાઇ રામાણી, સિનિયર ડાયરેકટર પ્રવિણભાઇ ચોટાઇ અને ડાયરેકટર વિજયભાઇ સંઘવી દ્વારા સદર સંસ્થાના સેક્રેટરી વિજયભાઇ પાલા, સભ્ય વિનુભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ દવે અને વિપુલભાઇ ધામેચાને અર્પણ કરવામાં આવ્યા હતાં.