ધ્રોલ નજીક ભેંસદડ ફીડરના ચારનાલા રેલવે પાટા પારાથી વોંકળાના કાંઠા સુધીની ઇલેકટ્રીક વીજલાઈન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં ધ્રોલ પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર તસ્કરોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, એક સપ્તાહ પૂર્વે ધ્રોલ ગામમાં ભેંસદડ ફીડરના ચારનાલા રેલવે પાટા પારાથી વોંકળાના કાંઠા સુધીની ઇલેકટ્રીક વીજલાઈનમાં અજાણ્યા તસ્કરોએ રૂા.12900 ની કિંમતના 1290 મીટર વીજવાયર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી. દરમિયાન એએસઆઈ વી ડી રાવલિયા, પો.કો. વનરાજભાઈ ગઢાદરા, જગદીશ જોગરાણા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલા અને સીપીઆઈ એમ બી ગજ્જરના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા, એએસઆઈ વી.ડી.રાવલિયા, હેકો હીરાભાઈ સોઢીયા, પોકો વનરાજભાઈ ગઢાદરા, જગદીશભાઈ જોગરાણા, રવિરાજસિંહ જાડેજા, સંજયભાઈ સોલંકી, સોંડાભાઈ ટોયટા, જતિનભાઈ ગોગરા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન બાલસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબના તસ્કરો પસાર થતા પોલીસની ટીમે સાજણ વીરજી સાડમીયા, સાગર રાયધન વાઘેલા, શૈલેષ નાનજી વાઘેલા, લખીબેન ઉર્ફે લક્ષ્મીબેન મુકેશ જખાણીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.12900 ની કિંમતના 1290 મીટર ઈલેકટ્રીક વીજલાઈનનો વાયર તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ કુહાડો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.