દ્વારકા નજીક આવેલા ભડકેશ્વરમાં દરિયામાંથી પુરૂષ અને મહિલાનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગ દ્વારા બંનેના મૃતદેહોને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યા હતા. જેના આધારે પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વર વિસ્તારમાં આવેલા દરિયામાં પુરૂષ અને મહિલાનો મૃતદેહ નજરે પડતાં આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે ફાયર ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી જઇ દરિયામાંથી પુરૂષ અને મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે બંને મૃતદેહોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં પુરૂષનું નામ રણજીસિંહ અને મહિલાનું નામ નીકિતાબેન હોવાની વિગતો સાંપડતા પોલીસે બંનેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહોને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી. અને બંને કયા કારણોસર આપઘાત કર્યો કે અન્ય કોઇ કારણથી મોત નિપજ્યા છે તે અંગેની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.