વિશ્ર્વને અહિંસાનો મંત્ર આપનાર, જીવો અને જીવવા દોનો ઉપદેશ આપનાર વિશ્ર્વના ભગવાન મહાવીરનો ગઇકાલે જન્મ કલ્યાણક હતો. જામનગર શહેરમાં ગઇકાલે રાત્રીના દેરાસરોમાં શણગાર કરવામાં આવ્યો હતો. પેલેસ દેરાસરમાં આવેલા મુળનાયક ભગવાન મહાવીરની હજારો લોકોએ પૂજા હતી. સવારે ભક્તામર સ્ત્રોત ભણાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા બાદ ભગવાનને આંગીનો શણગાર, પારણાનો શણગાર કરી લોકો દેરાસર પરિસરમાં મહાવીર ભગવાનના માતા-પિતાની રંગોળી બનાવવામાં આવી હતી. જેના દર્શનનો લાભ લોકોએ લીધો હતો. ત્યારબાદ રાત્રીના 8:30 કલાકે પેલેસ દેરાસરના પટાંગણમાં શહેરના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી ભાવના ભણાવી હતી. દેરાસરના પરિસરમાં ભાવના દરમિયાન ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી તથા જૈન અગ્રણી અજયભાઇ શેઠે ભગવાનના દર્શન કરી ભાવના દરમિયાન જૈન સ્તવનોની ભક્તિ માણી હતી. ભાવના બાદ 108 દિવાની આરતી ઉતારવામાં આવી હતી.


