લાલપુર ગામમાં આવેલી સરકારી હોસ્પિટલના ગેઈટ સામેના રોડ પરથી પસાર થતા ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ જતાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં રેસ્ટોરન્ટ પાછળ આવેલી માલધારી સોસાયટીમાં રહેતાં ભવાનભાઈ દેવાભાઈ વાઘેલા (ઉ.વ.52) નામના પ્રૌઢ મંગળવારે સવારના સમયે તેના જીજે-10-ડીકે-4073 નંબરના બાઈક પર લાલપુરમાં સરકારી હોસ્પિટલના ગેઈટ સામેના માર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક પલ્ટી ખાઈ જતાં અકસ્માત થયો હતો જેમાં ચાલક ભવાનભાઈને શરીરે અને મોઢા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી તેમજ પાછળ બેસેલા સવજીભાઈ ચૌહાણ સહિતના બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ચાલક ભવાનભાઈ વાઘેલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સવજીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.