ગુજરાત સહીત દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે અનેક વસ્તુઓની અછત સર્જાઈ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમેડેસિવિર મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેઓને ઈન્જેકશન મળતા નથી. તેવામાં અનેક શખ્સો તેની કાળાબજારી કરી રહ્યા છે. અને મોટી રકમ વસુલી વહેચી રહ્યા છે. ત્યારે રાજ્યનું સૌથી મોટું રેમેડેસિવિરનું કૌભાંડ વડોદરામાંથી ઝડપાયું છે. આ શખ્સો પાસેથી પોલીસે 90 ઇન્જેક્શન ઝડપી પાડ્યા છે. અને આ ગેંગ દોઢ મહિનામાં 400 જેટલા ઇન્જેક્શન વહેચી ચુકી છે. તેઓ એક ઇન્જેક્શન રૂ.20,000માં વહેચતા હતા.
રેમેડેસિવિરની કાળાબજારીનું મોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં 4 વડોદરાના તથા 1 આણંદના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શહેર પોલીસના એક ઉચ્ચ અધિકારીને માહિતી મળી હતી કે ઋષિ જેધે નામનો શખ્સ રેમડેસીવેર ઈન્જેકશનનું બ્લેક માર્કેટિંગ કરી ઉંચી કિંમતે તેનું વેચાણ કરે છે તેમજ ઋષિ શહેરના સુભાનપુરા નૂતન વિદ્યાલ પાસે ઈન્જેકશનની ડિલિવરી આપવા આવનાર છે. જેના આધારે પોલીસે બાતમીના આધારે ઈન્જેકશનની ડિલિવરી આપવા આવેલા ઋષિ જેધેની અટકાયત કરી તેની પુછપરછ કરતા અન્ય 4શખ્સોનું નામ સામે આવતા પોલીસે ઋષી સહીત વિકાસ પટેલ, પ્રતીક પંચાલ, મનન શાહ તેમજ આણંદ જિલ્લાના જતીન પટેલની ધરપકડ કરી છે. આ આરોપોઓ ફાર્મા ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ ગેંગએક ઇન્જેકશનના 16 હજારથી માંડી 20 હજારમાં વેચતી હતી. દોઢ માસમાં 400 ઇન્જેકશન તેઓએ વહેચ્યા હતા. અને પોલીસે સુભાનપુરા વિસ્તારમાં રહેતા ઋષી જેધની 17 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે અટકાયત કરી હતી. બાદમાં ઋષીએ વિકાસ પટેલને ફોન કરી વધુ ઇન્જેક્શનની જરૂરીયાત હોવાથી ફોનમાં વાત કરતા વિકાસ પટેલ વધુ 12 ઇન્જેક્શન લઇ ઋષીને આપવા પહોચતા પોલીસે વિકાસ પટેલને 12 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં જતીન પટેલના ઘરે દરોડો પાડતા 45 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતા. તીન પટેલ નામનો આ શખ્સ મેડિકલ એજન્સી ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. તેમજ પ્રતિક પંચાલ અને મનન શાહને 16 નંગ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યાં હતા. ઝડપેલા તમામ આરોપીઓ પાસેથી પોલીસે 90 રેમડેસીવેર ઈન્જેકશન,2 લાખ રોકડા સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.