ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે આફત સર્જી છે. ગુજરાતમાં કોરોનાના કહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ઘણા બાળકો એવા છે જેમણે કોરોનાને લીધે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે આવા બાળકો માટે મોટો નિર્ણય લેતા તેમને દર મહિને 3 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સરકારે કરેલા નિર્ણય મુજબ, આ મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનું અવસાન થઈ ગયું હોય અને આ બાળક કે બાળકોને એના કોઈ સગા-સબંધી રાખતા હોય તો તેમને એ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી પાલક માતા-પિતા યોજના અંતર્ગત બાળક દીઠ દર મહિને 3 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
જેમાં 6થી 18 વર્ષના છોકરાઓ માટે બાવળા તાલુકાના શિયાળ ગામમાં આવેલી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, 6થી 18 વર્ષની છોકરીઓ માટે અમદાવાદના ઓઢવ જીઆઈડીસી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલી ચિલ્ડ્રન ફોર ગર્લ્સ અને 0થી 6 વર્ષના બાળકો માટે અમદાવાદમાં જીઆઈડીસી ઓઢવ વિસ્તારમાં જ આવેલી સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે.