દેશમાં લોકપ્રિયતા માટે ઝડપથી કાનૂન બનાવીને સંતોષ માનતી સરકારો માટે લાલબતી સમાન એક નિરીક્ષણમાં સર્વોચ્ચ અદાલતે કોઇપણ લોકકલ્યાણકારી યોજનાઓ કે કાનૂનો બનાવતા પૂર્વે તેને અમલમાં મૂકવા માટેની વ્યવસ્થા અને નાણાકીય જોગવાઇની ચિંતા કરવા સરકારોને સલાહ આપી છે. ખાસ કરીને અનેક કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી સમયે ઢંઢેરામાં જાહેર થાય છે પરંતુ તેની રાજ્ય કે કેન્દ્રના બજેટ પર થનારી નાણાકીય અસર અંગે ભાગ્યે જ કોઇ ચિંતા થાય છે બાદમાં જ્યારે યોજના અમલમાં મુકવામાં આવે છે.
ત્યારે તેના માટે પૂરતી માળખાકીય વ્યવસ્થા હોતી નથી કે યોગ્ય નાણાકીય પીઠબળ પણ હોતુ નથી જેના કારણે આ પ્રકારની યોજનાઓના લાભ લોકોને મળી શકતા નથી. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ યુ.યુ. લલીતની ખંડપઠે ગઇકાલે શિક્ષાના અધિકારના કાનૂનમાં જે દૂરદર્શિતા દાખવવામાં આવી ન હતી તેની સામે પ્રશ્ન ઉઠાવતા સમયે આ પ્રકારના વિધાનો કર્યા હતા અને જણાવ્યું કે સરકારે દેશના કરોડો બાળકોને શિક્ષણનો અધિકાર તો આપી દીધો પણ શાળાઓ ક્યા છે ? તેની વ્યવસ્થા થઇ નથી. શાળાઓ હોય તો શિક્ષકો નથી અને અનેક રાજ્યોએ વિદ્યા સહાયક કે શિક્ષા મિત્ર જેવી યોજનાઓ અમલમાં મુકી છે જેમાં રુા. 5000ના પગારથી શિક્ષકો રાખવામાં આવે છે હવે તે ક્યા પ્રકારનું શિક્ષણ દેશે તે પ્રશ્ન છે. જ્યારે આ પ્રકારના મુદા ઉઠે છે ત્યારે બજેટનો મુદો આગળ ધરવામાં આવે છે પણ સરકારોએ એ દિશામાં કામ કરવું જોઇએ કે તેમની યોજનાઓ જુમલા બનીને રહી ન જાય.