Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશનો સરેરાશ નાગરિક અનાથ બની ગયો !

દેશનો સરેરાશ નાગરિક અનાથ બની ગયો !

- Advertisement -

ગુજરાત સહિત દેશભરની રાજય સરકારોએ તથા અત્યાર સુધીની તમામ કેન્દ્ર સરકારોએ દાયકાઓથી દેશભરમાં આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ખેતી કરી છે. ફળો લણ્યા છે. પુષ્કળ ધંધો કર્યો છે અને દેશના સરેરાશ નાગરીકને એકદમ સસ્તું, સરળતાથી અને શ્રેષ્ઠ કવોલીટીનું શિક્ષણ તથા સુસજ્જ અને પોસાય શકે તેટલાં ખર્ચમાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સરકારોએ નિષ્ઠા પૂર્વક અને વિઝનરી આયોજન સાથે કામ કર્યું નથી. જેની માઠી અસરો દેશનો સરેરાશ નાગરિક હાલની કોરોના મહામારીમાં વેઠી રહ્યો છે. સરેરાશ નાગરિક અનાથ બની ગયો છે અને તૂટી ગયો છે. શ્રીમંતોને ભારતમાં ભુતકાળમાં પણ કયારેય તકલીફો ન હતી. આજની તારીખે પણ તેઓની તિજોરીઓ ફાટફાટ થઇ રહી છે.

દેશભરમાં નાગરિકો મોંઘુ અને ખાનગી શિક્ષણ મેળવવા મજબૂર છે. મોટાં ભાગના પરિવારો આ આકરો શિક્ષણ ખર્ચ ઉઠાવીને બેવડ વળી ગયા છે. દેશના નાગરિકોને સરકારોએ કયારેય શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઓછા ખર્ચમાં આપી નથી. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સરકારોએ કાયમ ખાનગી ખેલાડીઓની તરફેણ કરી છે. મોટાં ભાગના નેતાઓ આ મલાઇદાર ધંધાઓમાં એક યા બીજી રીતે ભાગીદારો છે. જે આપણાં સરેરાશ નાગરિકોની કમનસીબી છે.

કોરોના મહામારીમાં 14 મહિના દરમ્યાન દેશના આરોગ્ય ક્ષેત્રની અસલિયત ખુલ્લી પડી ગઇ છે. ખાનગી હોસ્પિટલોના ચકચકાટ વધારવામાં વ્યસ્ત સરકારોએ કયારેય આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમા માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ધ્યાન આપ્યું નથી. આપણાં સરકારી દવાખાનાઓ અને સરકારી નિશાળો ખંઢેર છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. કોરોના મહામારીના એટેકમાં આપણી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની વારતાઓનો ફુગ્ગો ફુટી ગયો છે. હવે સરકારો બોધપાઠ લેશે અને આ બંન્ને ક્ષેત્રોને અસલી મજબુતી આપવાની દિશામાં ઝડપભેર કામ કરશે, એવી અત્રે અપેક્ષા રાખીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular