જામનગરની જી. જી. હોસ્પિટલના લાંચ કાંડના પટ્ટાવાળા આરોપીની આગોતરા જામીનની અરજી જામનગર સ્પે. એસીબી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ ગત તા. 7-6-2024 ના રોજ જી. જી. હોસ્પિટલના મેડીકલ બોર્ડના પટ્ટાવાળાએ એક શિક્ષક અરજદારને ફીટનેશ સર્ટીફિકેટ આપવા માટે રૂા. 45000 ની લાંચની માંગણી કરી રૂા. 20 હજાર તુરત જ લઇ લીધા હતાં અને બાકી રહેતી લાંચની રકમ રૂા. 25,000 સૌ પ્રથમ આંગડિયા મારફતે મોકલવાનું કહ્યા બાદ રૂબરૂ આપી જવાનું જણાવ્યું હતું. આ અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા અમરેલી એસીબી એ જી જી હોસ્પિટલમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી પંચ ની હાજરીમાં રૂા.25 હજાર સ્વીકાર્યા હતાં. પરંતુ, તેને એસીબીની ટ્રેપ અંગે શંકા જતાં આ લાંચની રકમ ફરિયાદીને પરત આપી દઇ ફરિયાદીના હાથમાં રખાવી ફરિયાદીનું કાંડુ બળજબરી પૂર્વક પકડી રાખી પાવડરવાળી નોટ નળના પાણીમાં ધોવડાવી નાખી પાવડરના પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરી લાંચની રકમ ફરિયાદીને પરત આપી દીધી હતી અને બનાવ સ્થળેથી નાશી છૂટયો હતો.
ત્યારબાદ ધરપકડથી બચવા જામનગરની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે તપાસનીશ અધિકારી જામનગર એસીબી પીઆઈ એ રજૂ કરી જરૂરી પૂરાવા સાથેનું સોગંદનામુ તથા જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી એ રજૂ કરેલ દલીલોને ધ્યાને લઇ ન્યાયધિશ વી પી અગ્રવાલએ આરોપીની આગોતરા જામીન અરજી રદ્દ કરી હતી.