જામનગર શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 10 આસામીઓની ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ આ 10 આસામીઓને રૂા.4.96 લાખની રકમ તેમના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગત જૂન મહિનામાં શહેરના જુદા જુદા 10 જેટલા આસામીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ઓનલાઈન ખરીદ વેચાણના બહાને પોતાના બેંકના પાસવર્ડ વગેરે મેળવી લઇ કુલ 4.96 લાખની રકમ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરવામાં આવી છે. જે અંગેની ફરિયાદ પછી સાઈબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને જુદી જુદી છ જેટલી ખાનગી બેંકની મુખ્ય કરીને સમગ્ર ફ્રોડ અંગેની ઈ મેઇલ કરીને જાણકારી અપાઈ હતી અને જુદા-જુદા આસામીઓની રકમને બેંકમાંથી કેટલાંક ચિટરો દ્વારા ઓનલાઈન ટ્રાન્સફરની કાર્યવાહી કરી લેવામાં આવી છે.
જેથી તમામ બેંકો સાથે ફ્રોડમાં ગયેલા નાણાંનું ટ્રાન્ઝેકશન હોલ્ડ કરવા માટેનું જણાવાયું હતું. જેના અનુસંધાને જામનગરના તમામ 10 આસામીઓની કુલ 4.96 લાખ રકમ તેઓના બેંક ખાતામાં પરત જમા થઈ ગઈ છે. આ સમગ્ર કાર્યવાહી સાઈબર ક્રાઈમ સેલના પીઆઈ કે. એલ. ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. આહિર, એ.આર. રાવલ તેમજ તેમના સ્ટાફે કરી હતી.
ઓનલાઇન છેતરપિંડીના ભોગ બનેલા આસામીઓની રકમ પરત અપાવાઈ
જામનગર સાયબર ક્રાઈમ સરાહનીય કાર્યવાહી : 10 આસામીઓને રૂા.4.96 લાખની રકમ બેંક ખાતામાં પરત જમા કરાઈ