હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોવાથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે શુક્રવારે ઓખા નગરપાલીકા, ઓખા પોલિસ તેમજ દ્વારકા પ્રાંત અધિકારી સહિતના અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બેટ દ્વારકાના સુદર્શન સેતુ નજીક 80 મીટર જેટલી દીવાલ ધરાશાઈ કરવામાં આવી છે. જ્યારે દરીયા કિનારે હાજી કિરમાણી દરગાહ પાસે 200 ફૂટનું બાંધકામ તોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ ઓખા નગરપાલીકા દ્વારા બેટ દ્વારકામાં અનધિકૃત દબાણો દૂર કરવા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે મોડે સુધી ચાલી હતી.
હાલમાં યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા તથા અન્ય આજુબાજુના જોવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં દ્વારકા તથા યાત્રાધામ બેટ દ્વારકામાં કોરીડોરની કામગીરી ચાલુ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે દ્વારકા તથા બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલ બિનઅધિકૃત દવાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરવામાં આવેલા અનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના ઓખા નગરપાલીકા, પોલીસ સ્ટાફને સાથે રાખીને શુક્રવારે હાથ ધરાયેલ દબાણ હટાવ કામગીરીમાં બેટ દ્વારકાના સર્વે નં. 26 અને સર્વે નં. 386 ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્વે નં. 386 માં મૂકવામાં આવેલ અનધિકૃત કેબીનોને જાતે દૂર કરવાની ખાત્રી અપાતા તેમને ચોવીસ કલાકનો સમય આપી ખસેડી લેવા જણાવવામાં આવેલ. પ્રાંત અધિકારીના ટેલીફોનીક માર્ગદર્શનમાં ઉપરોકત દબાણ હટાવ કામગીરીમાં ઓખા નગરપાલીકાના ચીફ ઓફીસર, બેટ દ્વારકાના પી.આઈ., મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર તથા તલાટી વિગેરે હાજર રહયા હતા.