ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રીઢા ગુનેગારને અદાલતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવા બાબતે જામીન મુક્ત કરાયા બાદ સલાયામાં આવેલા આ શખ્સને સ્થાનિક પોલીસે છરી સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ સલાયામાં થોડા સમય પૂર્વે એક પ્રકરણમાં સલાયામાં હુસેની ચોક વિસ્તારમાં આવેલા ગોદી પાડો ખાતે રહેતા રિઝવાન રજાક સંઘાર નામના 30 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સ સામે રાયોટીંગ ઉપરાંત સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં નામદાર હાઇકોર્ટે ઉપરોક્ત શખ્સના વિવિધ શરતો હેઠળ જામીન મંજૂર કર્યા હતા.
જે અંતર્ગત આ શખ્સને સલાયા પોલીસ મથકમાં સમયાંતરે હાજરી પુરાવવા સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવા બાબતની શરત હતી. તેમ છતાં પણ ગંભીર ગુનાનો આરોપી રિઝવાન સંઘાર ગુરુવારે સલાયામાં આવ્યો હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળતા પોલીસ સ્ટાફ તેના ઘરે ગયો હતો અને રાત્રિના આશરે સવા વાગ્યાના સમયે તેના રહેણાંકમાં મકાનમાં હોવાથી પોલીસે તેની અટકાયત માટેની કામગીરી કરી હતી. પરંતુ તેને પકડવા આવેલા પોલીસ કર્મચારીને જોઈને આરોપી રીઝવાન સંઘારએ હાથમાં છરી લઈને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આમ, પોતાના કબજામાં છરી રાખી અને ઉપરોક્ત શખ્સ દ્વારા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા સબબ તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરવામાં આવી હતી.