મહેનત ઇતની ખામોશી સે કરો કી, સફલતા શોર મચા દે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાટડીના માલણપુરની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે 23 વર્ષની ઉંમરે પોલિસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો હતો.
પાટડી તાલુકાના માલણપુરના ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ ઇતિહાસ રચ્યો છે. ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ આ પૂર્વે પણ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યારબાદ તેઓએ ધોરણ- 12 માં 88 % બાદમાં બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી.આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી. અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ દેવ્યાનીબાએ એટલેથી ન અટકતા તેઓએ વધારે તૈયારીઓ શરૂ કરી અને જેના પરિણામ સ્વરૂપે તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં રાજ્યમાં પ્રથમનંબરે પાસ કરી ઇતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે. દેવ્યાનીબાની આ સફળતાથી વિસ્તારના યુવાનો તેમનામાંથી પ્રેરણા લઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે.