દેશના 15માં રાષ્ટ્રપતિ કોન બનશે તે આજે નક્કી થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું અને અહીં સંસદ ભવનમાં આજે સવારે 11: 00 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો છે. દ્રૌપદી મુર્મુ ગઉઅ તરફથી છે જ્યારે યશવંત સિંહા વિરોધ પક્ષના ઉમેદવાર છે. મુર્મુની જીતની પ્રબળ સંભાવના છે. જો તે જીતશે તો તેઓ દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.
દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઈ જશે અને 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે. બધા રાજ્યોમાંથી મતપત્ર સંસદ ભવનમાં લાવવામાં આવી ચૂક્યા છે. ચૂંટણી અધિકારીઓ સંસદના રૂમ નંબર 63માં મત ગણતરી ચાલી રહી છે. આ રૂમમાં બેલેટ પેપરની ચોવીસ કલાક સુરક્ષા કરવામાં આવી રહી છે. ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યસભાના સચિવ જનરલ પીસી મોદી ગુરૂવારે મતગણતરીની દેખરેખ કરશે. સાંજ સુધીમાં ચૂંટણી પરિણામ જાહેર થવાની સંભાવના છે.
ગુજરાતમાં નવેમ્બરમાં ચૂંટણી ?
ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓ થવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ પણ તે માત્ર રાજકીય અફવા સાબિત થઇ છે. જો કે વિધાનસભાની ચૂંટણીઓને પગલે અત્યારથી ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ આદરી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, નવેમ્બરના બીજા અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે. ચૂંટણી પંચ નવરાત્રી બાદ ચૂંટણીઓનું એલાન કરે તેવી શકયતા જોવાઇ રહી છે.
વિધાનસભાની ચૂંટણીઓને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત કેન્દ્રના મંત્રીઓની ગુજરાતમાં આવનજાવન વધી છે. આ તરફ, કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓએ પણ ગુજરાતમાં આટાંફેરા વધાર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે ગુજરાતમાં તો અત્યારથી જાણે ચૂંટણી માહોલ હોય તેમ લાગી રહ્યુ છે.
ગુજરાતમાં ડિસેમ્બર -2રમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે પણ રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે કે, નવેમ્બર માસમાં મધ્યમાં ચૂંટણી યોજાઇ શકે તેવી શકયતા જોવાઇ રહી છે. ટૂંકમાં એકાદ મહિનો વહેલી ચૂંટણીઓ યોજાય તો નવાઇ નહીં. આ ઉપરાંત ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાઇ શકે તેમ છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. અને તે વખતે 71.20 ટકા મતદાન થયું હતું. મહત્વની વાત એ છે કે, હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે. આ વખતે ચૂંટણીમાં 4 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 18 લાખ યુવા મતદારો પણ મતદાનમાં પહેલીવાર હિસ્સો લેશે. જો કે., ડિસેમ્બરમાં નવી સરકાર રચાઇ જાય તેવી ગણતરી મંડાઇ છે. વિધાનસભાની ચૂંટણીઓના આયોજનના ભાગરૂપે જ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓએ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મહાત્મા મંદિરમાં બે દિવસીય વર્કશોપ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં મતદારયાદી સુધારણાથી માંડીને ચૂંટણી સંચાલન મુદ્દે તાલીમ આપવામાં આવશે. રાજ્યના તમામ કલેકટર ઉપરાંત અન્ય કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવા દિલ્હીથી ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે.