ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 4 મેચોની સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ 17 સભ્યોની ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 227 રનથી હાર્યા બાદ ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 317 રનથી હરાવીને શાનદાર વાપસી કરી છે. હવે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સિનીયર ઝડપી બોલર ઉમેશ યાદવની વાપસી થઇ છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ છેલ્લી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમમાં ઉમેશ યાદવની વાપસી થઇ છે. ઉમેશ છેલ્લી બે ટેસ્ટ મેચોમાં શાર્દુલ ઠાકુરનું સ્થાન લેશે. ઉમેશ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જોકે અમદાવાદમાં રમાનાર ટેસ્ટ પહેલા ઉમેશની ફિટનેશ ચેકઅપ થશે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ દર્શકોની ક્ષમતાના આધારે દુનિયાનું સૌથી મોટું સ્ડેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક સમયમાં 1 લાખ 10 હજાર લોકો બેસીને મેચની મજા માણી શકે છે. બીસીસીઆઇ એ હાલમાં એ સ્ટેડિયમમાં 50 ટકા દર્શકને આવવાની પરવાનગી આપી છે. આવામાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન આ સ્ટેડિયમમાં 50,000 લોકો હાજર રહી શકે છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.