Thursday, December 26, 2024
Homeબિઝનેસકરદાતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરવાં અંગેનો નિર્ણય લટકતો રાખી શકાય નહીં: રાજસ્થાન...

કરદાતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરવાં અંગેનો નિર્ણય લટકતો રાખી શકાય નહીં: રાજસ્થાન હાઇકોર્ટ

- Advertisement -

જી.એસ.ટી. ના નિયમો હેઠળ કરદાતા દ્વારા કોઈ ગંભીર ચૂક કરવામાં આવે તો તેનો જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ કરવાંની અથવા તો સ્થગિત (સસ્પેન્ડ) કરવાની સત્તા અધિકારીને આપવામાં આવેલ છે. રાજસ્થાન રાજ્ય જી.એસ.ટી. દ્વારા એવોન ઉદ્યોગ નામના કરદાતાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના બીજે જ દિવસે જી.એસ.ટી. હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી કરદાતાને ગેરરીતિ અંગે નોટિસ આપવામાં આવી હતી અને તેનો જી.એસ.ટી. નંબર તત્કાલિન અસરથી સસ્પેન્ડ કરી આપવામાં આવ્યો હતો. કરદાતાનો જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ કરવાનો આદેશ કોઈપણ જાતની સુનાવણીની તક આપ્યા વગર પસાર કરવામાં આવ્યો હતો. કરદાતા દ્વારા અધિકારીની નોટિસનો જવાબ આપવામાં આવ્યો હતો પણ અધિકારી દ્વારા લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો ના હતો. આ કારણસર કરદાતાએ રાજસ્થાન હાઇકોર્ટના દ્વાર ખટ ખટાવ્યા હતા. કરદાતા વતી તેમના વકીલ દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી હતી કે ભલે જી.એસ.ટી. હેઠળ સુધારેલા નિયમ 21 હેઠળ અધિકારીને તાત્કાલિક જી.એસ.ટી. નંબર રદ્દ કરવાની સત્તા છે પરંતુ સાંભળવાની તક આપ્યા સિવાય પસાર કરવામાં આવેલ કોઈ પણ આદેશ અન્યાયી ગણાય અને કરદાતાનો નંબર સસ્પેન્ડ કરતાં પહેલા સુનાવણીની તક આપવી જરૂરી છે. કરદાતા તરફે એવી પણ દલીલ રજૂ કરવામાં આવી હતી કે અધિકારી દ્વારા કરદાતાના કેસમાં તેનો જવાબ ઉપરથી નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવે તે ભારતીય બંધારણના અનુછેદ 19(1)(g) હેઠળ ધંધો કરવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાય.

- Advertisement -

કરદાતાની દલીલો સામે સરકાર તરફથી રજૂઆત કરતાં અને અધિકારીનો બચાવ કરતાં સરકારી વકીલે જણાવ્યુ હતું કે કરદાતાને આવેલ નોટિસનો જવાબ તેમના દ્વારા સમયસર આપવામાં આવ્યો ના હતો. આમ, સમયસર જવાબ આપવામાં આવ્યો ના હોય હવે તે અધિકારીની ભૂલ અંગે તકરાર કરી શકે નહીં.

રાજસ્થાન હાઇકોર્ટના જજ દિનેશ મહેતાની બેન્ચ દ્વારા આદેશ આપતા જણાવાયું હતું કે કરદાતા દ્વારા નોટિસનો જવાબ આપ્યાના ત્રણ મહિના સુધી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં ના આવે તે યોગ્ય નથી. કરદાતા દ્વારા જવાબ મોડો આપવામાં આવ્યો હોવા છતાં અધિકારી જી.એસ.ટી. ના નિયમો હેઠળ 30 દિવસમાં નોંધણી દાખલો રદ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવા બંધાયેલા છે. કરદાતાનો જી.એસ.ટી. નંબર સ્થગિત (સસ્પેન્ડ) કરી દેવાની કરદાતાના ધંધા ઉપર ગંભીર અસર પડે છે. આ ચુકાદામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ભલે કરદાતા નિયત સમયમાં નોટિસનો જવાબ આપવાનું ચૂકી ગયા હોય તો પણ જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દની કાર્યવાહી કોઈ પણ સંજોગોમાં લાંબો સમય લટકતી રાખી શકાય નહીં. અધિકારી કાયદાકીય રીતે 30 દિવસમાં નિર્ણય લેવા બંધાયેલ છે. આ કેસમાં જ્યારે અધિકારી ઉપરાંત કરદાતાની પણ મહદ્દ અંશે ચૂક થયેલ હોય આ કેસમાં ગુણદોષ ઉપરથી હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરવાંના સ્થાને કરદાતાને પોતાની તમામ દલીલો તથા પુરાવાઓ 07 જુલાઇના રોજ પોતે અથવા પોતાના એડ્વોકેટ દ્વારા અધિકારી સમક્ષ રજૂ કરવાં આદેશ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. અધિકારીને આ જવાબ તથા પુરાવાઓ ધ્યાને લઈ ન્યાયિક આદેશ 14 જુલાઇ સુધીમાં કરવાં હૂકુમ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી હેઠળ કરચોરી રોકવા નોંધણી સ્થગિત કરવાની અમર્યાદિત સત્તાના કારણે કરચોરો ઉપર લગામ લગાવવો તો શક્ય બને છે પરંતુ ઘણા કિસ્સામાં પ્રમાણિક વેપારીઓ પણ આ નિયમનો ભોગ બની રહ્યાના સમાચારો  મળી રહ્યા છે.

- Advertisement -

(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular