જમ્મુ-કાશ્મીરમાં નવી વર્ષની શરૂઆત આતંકી હુમલાથી થઇ છે. એમાંય હિન્દુઓ પર આતંકી હુમલાની ઘટના થમવાનું નામ નથી લેતી. રાજૌરીથી લગભગ 8 કિમી. દૂર એક આતંકવાદી હુમલામાં ચાર નાગરિકોના મોત થયા છે. સરહદ પરના આ ગામમાં આતંકીઓએ એક જ કોમના ત્રણ ઘરો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે.
આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં જોરદાર અરેરાટી વ્યાપી ગઇ છે અને લોકોએ તેનો આકરો વિરોધ શરૂ કરી દીધો છે. જેમના પર હુમલા થયા હતા તે ઘર એકબીજાથી 50 મીટરના અંતરે જ છે. એડીજીપી મુકેશ સિંઘે જણાવ્યું હતું કે, પોલીસે સેના અને સીઆરપીએફ સાથે મળીને આ બન્ને હુમલાખોરોને ઝડપી લેવા માટે સઘન સર્ચ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં ચાર લોકો માર્યા ગયાના અહેવાલ છે. ઇજાગ્રસ્ત લોકોને રાજૌરી મેડિકલ કોલેજ ખાતે લઈ જવાયા હતા. જ્યાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. એક હાયર સેકંડરી શાળા અને રામ મંદિર નજીક ગોળીબાર થયો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, બે લોકો સાંજે સાત કલાકે બંદૂક સાથે કારમાં આવ્યા હતા. ત્રણેય ઘરો પર આડેધડ ગોળીબાર કરીને તેઓ કારમાં ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. જોકે એમ કરતાં આશરે 10 મિનિટનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનિય છે કે મહિનામાં બીજી ઘટના છે. 6 ડિસેમ્બરે બે લોકો રાજૌરી ખાતેના લશ્કરી કેમ્પની બહાર ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અહેવાલમાં જણાવ્યા અનુસાર લશ્કરે ગોળીબાર અને લોકોના મોત માટે ‘અજાણ્યા’ આતંકવાદીઓ પર આરોપ મૂક્યો હતો. અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લશ્કરના એક સંતરીએ ગોળીબાર કર્યો હતો. એક અધિકારીનું કહેવું છે કે પહેલા હુમલાખોરોએ અપર ડાંગરીમાં એક ઘર પર હુમલો કર્યો હતો. એ પછી 25 મીટર દૂર અન્ય ઘરમાં આવ્યા હતા, ત્યાં અનેક લોકોને ગોળી મારી હતી. એ પછી અન્ય ઘર પર ગોળીબાર કરીને ભાગી ગયા હતા. મોડીરાત્રિ સુધી ત્રણ મૃતકના નામ જાહેર થયા હતા. જેમનું નામ સતીશ કુમાર, દીપક કુમાર અને પ્રીતમ લાલ હતું. ઇજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.