જામજોધપુર તાલુકામાં એક તલાટી-કમ-મંત્રીને ચાર થી પાંચ ગામોના ચાર્જ સોંપવામાં આવતાં વિકાસના કામો ટલ્લે ચડી રહ્યાં હોય. ગામડાની પ્રજા અને છેવાડાના કર્મચારીઓ હેરાન થઇ રહ્યાં છે.
જામજોધપુર તાલુકા હાલમાં દરેક સરકારી કચેરીઓમાં માત્ર 30 ટકા જ સ્ટાફ છે અને તેમાં પણ ગ્રામ્ય લેવલના ખાસ કર્મચારીઓ ગણાતા તલાટી-કમ-મંત્રી પાસે પાંચ-પાંચ ગામોના ચાર્જ હોય, જેથી ગામડાંઓમાં અઠવાડીયે એક ગામે એક દિવસ જઇ શકે છે. અત્યાર સુધી અઠવાડીયામાં એક દિવસ તાલુકા મથકે મિટિંગ રાખવામાં આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સંકલનના અભાવે અઠવાડીયે બે-બે મિટિંગો તાલુકા મથકે બોલાવાઇ છે. જેના કારણે તલાટીઓ અમુક ગામોમાં અઠવાડીયે એક દિવસ પણ જઇ શકતા નથી.
15 દિવસ નિકળી જાય અને ગામડાંના સામાન્ય અરજદારોના કામો અટવાતાં હોવાની ફરિયાદો ઉઠે છે. જે રાજકીય વ્યક્તિ સુધી પહોંચતાં કેટલીક વાર તલાટીની બીજા તાલુકાઓમાં બદલી કરી લેવામાં આવે છે અથવા તેમને હેરાન કરવામાં આવે છે. આમ સરવાળે ગામડાની જનતા અને છેવાડાના કર્મચારીઓ જ હેરાન થાય છે. ત્યારે બંને કચેરીઓના વડાઓ ક્યારે સંકલન કરી આ અંધેર નગરી જેવો વહીવટ સુધારી શકે છે. તેમ લોકોમુખે ચર્ચાઇ રહ્યું છે.