જામનગર નજીક આવેલા નાઘેડી ગામમાં આજે સવારના સમયે એક નામાંકિત કારખાનેદારનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નાઘેડીના કબીર લહેર તળાવના પાછળના ભાગમાં પાણીમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નાઘેડીમાં ‘મુકેશ પ્લાસ્ટિક’ નામનું કારખાનું ધરાવતા ભરતભાઈ નાથાભાઈ ઘરેથી નીકળ્યા બાદ કારખાને ના પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમનું સ્કૂટર તળાવ નજીક જોવા મળ્યું હોવાનું બહાર આવ્યું હતું.
View this post on Instagram
ઘટનાની જાણ થતાં નાઘેડીના સરપંચ સહિતના આગેવાનો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે કલાકોની ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના અકસ્માત છે કે આપઘાત, તે દિશામાં પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે.


