સુપ્રીમ કોર્ટે દેશની તમામ કોર્ટો અને હાઈકોર્ટોને જામીન અરજીઓનો ઝડપથી નિવેડો લાવવા તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટે દેશની તમામ કોર્ટો અને હાઈકોર્ટોને તાકીદ કરી હતી કે તેઓની કોર્ટોમાં કરાયેલી આગોતરા જામીન અરજીઓનો તાત્કાલીક ધોરણે હાથ ઉપર લઈ સુનાવણી કરવી અને તેનો જેમ બને તેમ ઝડપથી નિકાલ કરી દેવો કેમ કે આ એવી અરજીઓ હોય છે નાગરિકોની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે.
નકલી દસ્તાવેજો અને છેતરપીંડીની એક અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટીસ સી.ટી.રવિકુમાર અને જસ્ટીસ સંજયકુમારની બેંચે તાજેતરમાં કરેલાં એક આદેશમાં કહ્યું હતું કે આ કોર્ટ પુનરોચ્ચાર કરવા સાથે ઠરાવે છે કે આગોતરા જામીનની અરજી કે અરજીઓ નાગરિકોની સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવતી હોવાથી તેને જેમ બને તેમ જલ્દીથી બોર્ડ ઉપર લાવી તેનો નિકાલ કરી દેવો જોઈએ.
બેંચે એમ પણ કહ્યું હતું કે 2022ની સાલમાં પણ દેશની આ સર્વોચ્ચ અદાલતે સમાન અભિપ્રાય ભારપૂર્વક વ્યક્ત કર્યો હતો અને આગોતરા જામીન અરજીઓને મોડેથી બોર્ડ ઉપર લેવાની અને લાંબા સમય સુધી તેનો નિકાલ નહીં કરવાની હાઈકોર્ટોની રીત-રસમ અને પદ્ધતિ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
જુદી જુદી કોર્ટમાં આ પ્રકારની વારંવાર બની રહેલી ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં આ કોર્ટના રજિસ્ટ્રાર જનરલે દેશની તમામ કોર્ટો અને હાઈકોર્ટોને આ આદેશની એક નકલ મોકલી આપવી જેથી કરીને વિવિધ કોર્ટોમાં ઘણાં સમયથી પેન્ડીંગ રહેલી આગોતરા જામીન અરજીઓ ઝડપથી હાથ ધરાઈ છે કે નહી અને તેનો સત્વરે નિકાલ થયો છે કે નહીં તે બાબત સુનિશ્ર્ચિત કરી શકાય એમ બેંચે તેના 11 ડિસેમ્બરે કરેલાં આદેશમાં કહ્યું હતું.