કોરોના મહામારી દેશમાં શરૂ થયાને 14 મહિના થયાં. હજુ સુધી દેશમાં રસીકરણનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. અનેક પ્રકારના પ્રશ્ર્નો અને ઘણી બધી ભુલોને કારણે રસીકરણની પ્રક્રિયા અંગે લોકોમાં ભારે નારાજગી છે. બધાં દેશવાસીઓને કોરોના રસી કયારે મળશે ? એ અંગે લોકોમાં જાણકારી મેળવવાની ઉત્સુકતા છે.પરંતુ કમનસીબે આ પ્રશ્ર્નનો જવાબ કોઇ આપી શકે એમ નથી. હાલની ગતીએ રસીકરણ કરવામાં આવે તો દેશની 138કરોડની વસ્તીને રસીકરણ કરતાં કેટલાં વર્ષ લાગશે? તે અંગે લોકોમાં રમૂજ અને ટીકાઓ-બન્ને જોવાં મળે છે.
કોરોનાની રસી બનાવનારા તરીકે અને રસીના દુનિયાભરમાં દાતા તરીકે આપણે ગૌરવ લઇએ છીએ. બીજીતરફ વાસ્તવિકતા એ છે કે, દેશવાસીઓને રસી આપવા માટે આપણી પાસે પુરતો પુરવઠો નથી. રસીકરણ મામલે પાછલાં મહિનાઓમાં જે બન્યું તે ભુલી જઇએ. પરંતુ હવે પછીના સમયમાં રસીકરણ અંગે જબરદસ્ત પ્લાન બનાવવાની જરૂર છે. પરંતુ આ પ્રકારની તૈયારી અત્યારે કયાંય દેખાતી નથી.
પહેલાં કોરોના વોરિયર્સને, પછી વરિષ્ઠ નાગરિકોને, પછી 45+ ને અને પછી 18+ને રસીઓ આપવાની કસરતો થઇ રહી છે અને સાથે સાથે બાળકોના રસીકરણની પણ હવે વાતો કરવામાં આવી રહી છે. તેની સામે હકીકત એ છે કે, આપણી પાસે આટલાં મોટાં પ્રમાણમાં રસીનો જથ્થો રાતોરાત આવશે કયાંથી?
સરકારે એપ્રિલ મહિનામાં રસી માટે જે ઓર્ડર આપ્યા હતાં તે ઓર્ડર હજુ પુરા થયા નથી. માલ આવ્યો નથી. રસી બનાવતી કંપની કહે છે, જુલાઇ સુધી આમ જ ચાલશે. રસી બનાવતી કંપનીઓએ ભારત સહિતના દેશોના ઓર્ડર લઇ લીધાં છે.પરંતુ પુરતાં પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેવું દેખાતું નથી.
કેન્દ્રના આરોગ્યમંત્રી કહે છે કે, મે મહિનામાં ચાર-પાંચ રસી આવી જશે. આજે મે મહિનાની 19મી તારીખ છે હજુ એકેય નવી રસી આવી નથી. હૈદરાબાદની કંપની હોય કે ગુજરાતની, નવી રસી આવતાં સમય લાગશે. હજુ તો રસી ટ્રાયલના તબકકામાં છે. હૈદરાબાદ અને ગુજરાતની આ નવી રસીઓ આવતાં બે-ત્રણ મહિના નિકળી જશે. એવું દેખાઇ રહ્યું છે.રશિયાની અને ફાઇઝરની રસી પણ આવવાની છે. પણ એમા બહુ હરખાવા જેવું નથી. કારણ કે, આ રસીઓ લોકોએ રોકડા દઇને ખરીદવાની રહેશે. આ સિવાય અન્ય કોઇ વિદેશી રસી અત્યારે આવવાની શકયતા દેખાતી નથી.
કેન્દ્ર સરકારે રાજયોને પોતાની રીતે રસી ખરીદવાનું કહી દીધું છે. રસીઓના ભાવો અંગે પણ જાતજાતની પધ્ધતી અમલમાં મુકવામાં આવી છે. બીજીબાજુ રાજયોની રસીની ડિમાન્ડને ભારતની બે કંપનીઓ પહોંચી વળે તેવી સ્થિતિ નથી. વિશ્ર્વના ધનિક દેશોએ 60% રસી કવર કરી લીધી છે. અને આ ધનિક દેશોની વસ્તી વિશ્ર્વની વસ્તીના માત્ર 16% છે. તેનો સીધો અર્થ એ થાય કે છે કે ધનિક રસીનો જબરો બિઝનેસ કરશે.
ભારતની બે કંપનીઓની રસી અન્ય કંપનીઓ પણ બનાવી શકશે. એવી વાત ચાલે છે. પરંતુ હજુ સુધી અન્ય કોઇ કંપની આ રસી બનાવવા આગળ આવી નથી. કંપનીઓએ અને સરકારોએ દેશવાસીઓને રસી સરળતાથી મળી શકે તે માટે રસ્તો શોધવો પડશે. તો જ આ મહામારીમાંથી દેશવાસીઓને બચાવી શકાશે.હજુતો માત્ર 1.8% વસ્તી કોરોનાગ્રસ્ત થઇ છે. આ ટકાવારી 5-10%એ ધારોકે પહોંચે તો દેશમાં કેટલું બિહામણું ચિત્ર સર્જાય? અને રસીકરણના મામલામાં કેવડી મોટી ચિંતા સામે આવી શકે? આ પ્રકારના પ્રશ્ર્નો અતિ ગંભીર છે. પરંતુ આ પ્રશ્ર્નો અંગે લગભગ કયાંય ગંભીરતા જોવા મળતી નથી !
ધારો કે, કોરોના દેશમાં વધુ પ્રસરે તો ?
રસીના પૂરવઠા અંગે હાલમાં દેશભરમાં ચિંતાજનક વાતાવરણ