જામનગર જિલ્લાની પાંચ સહિત રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. આ ચૂંટણી પૂર્વે પોલીસ અધિક્ષકે શહેરના પ્રવેશદ્વારો પર રહેલી આઉટપોસ્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું.
2022 વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ જામનગર જિલ્લાની પાંચ બેઠકો સહિત રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટેની તૈયારીઓમાં જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે કલેકટર ડો. સૌરભ પારઘી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પાંચ બેઠકો માટે વિધાનસભામાં મતદાન શાંતિપૂર્ણ થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કલેકટર દ્વારા મતદાન મથકો, બુથ અને ચૂંટણી અધિકારી, કર્મચારીઓ, ઈવીએમ મશીન તથા મતદાન મથકોમાં મતદારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની સુવિધાઓ અને સગવડ ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિક્ષક દ્વારા વિધાનસભા વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ અને વાહનોનું ચેકીંગ તથા ગુનાખોરી ધરાવતા શખ્સો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ શહેરના મુખ્ય પ્રવેશદ્વારો ઉપર રહેલી આઉટપોસ્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ પ્રવેશદ્વારો ઉપર ફરજ પર રહેલા પોલીસકર્મીઓને સૂચના આપી વાહનોનું ચેકિંગ તથા અનિચ્છનીય ઘટનાનો ન બને તે માટે એલર્ટ રહેવા આદેશ આપ્યો હતો.
ચૂંટણીની આચરસંહિતા પહેલાં બદલી જામનગરમાં હાજર થયેલા ડીવાયએસપી વરૂણ વસાવા તથા પોલીસ ઈન્સ્પેકટર એચ.પી. ઝાલા અને પી.એલ. વાઘેલાને પોલીસ અધિક્ષક દ્વારા નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ડીવાયએસપી વસાવાને જામનગર શહેર તથા પીઆઈ એચ.પી. ઝાલાને સિટી બી અને વાઘેલાને સિટી સી ડીવીઝનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
શહેર ડીવાયએસપી અને પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂંક : ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા માટે પોલીસ એલર્ટ