જામનગર શહેરના માટેલ ચોક રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં ધોબી યુવાને તેના ઘરે પંખામાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં પ્રૌઢને તેના ખેતરે વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના રામેશ્ર્વરનગર પાસે આવેલા માટેલ ચોકમાં રાજરાજેશ્ર્વરી સોસાયટી શેરી નં.6 માં રહેતાં વિરલકુમાર રાજેશભાઈ રજક (ઉ.વ.25) નામના ધોબીકામ કરતા યુવાને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે છતના પંખામાં ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રાજેશભાઈ દ્વારા જાણ કરાતા 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેથી પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતાં રમેશભાઈ હરજીભાઇ ભેંસદડિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.8 ના રોજ સવારના સમયે રામપર ગામના પાટીયા પાસે આવેલા તેના ખેતરમાં ઓરડીમાં કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ગુરૂવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજેશ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.