જામનગર શહેરના પવનચકકી ઢાળિયા જૂની વાડી પાસે રહેતાં અને નવ માસ પહેલાં જ લગ્ન થયેલ યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર શહેરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતાં યુવાને તેના ઘરે કોઇપણ કારણસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં પવનચકકી ઢાળિયા જૂની વાડી પાસે રહેતાં સપનાબેન ચિરાગભાઇ (ઉ.વ.20) નામની નવપરિણીત યુવતીએ બુધવારે તેણીના ઘરે બપોરના સમયે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ બેશુદ્ધ હાલતમાં યુવતીને સારવરા માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની નીતાબેન નાખવા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતકના લગ્ન નવેક માસ પૂર્વે જ થયા હતાં. જેથી લગ્ન બાદ આત્મહત્યાની ઘટનામાં પોલીસે કારણ જાણવા મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં બ્લોક નં.302 માં રહેતા વાત્સલ્યભાઈ રોહિતભાઈ અમૃતિયા (ઉ.વ.29) નામનો નોકરી કરતા યુવાને બુધવારે સાંજના સમયે તેના ઘરે કોઇ કારણસર જિંદગીથી કંટાળીને પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવવાનો પ્રયાસ કરતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે હેતભાઈ કંડોરિયા દ્વારા જાણ કરાતા હેકો એચ.એ.પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.