લાલપુર તાલુકાના મોટાપાંચસરા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી યુવતિને તેના વતન જવાની પિતાએ ના પાડતાં માઠુ લાગી આવતાં ગુમસુમ રહેતી યુવતિએ ઝાડની ડાળીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યા હોવાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના અલિરાજપુરના શેલીગલી ગામના વતની અને લાલપુર તાલુકાના મોટાપાંચસરા ગામના વાડી વિસ્તારમાં રમેશભાઇ કોડીનારીયાના ખેતરમાં મજૂરીકામ કરતાં કુંવરાભાઇ ગુમનભાઇ અજનાર નામના આદિવાસી યુવાનની પુત્રી હર્ષિતાબેન અજનાર (ઉ.વ.18) નામની યુવતિને ભાગમાં રાખેલી વાડીએ ગમતુ ન હોવાથી બે-ત્રણ દિવસ પહેલાં વતનમાં જવાનું પિતાને કહ્યું હતું પરંતુ પિતાએ વાડીએ કામ છે, માટે થોડા દિવસો પછી વતનમાં જઇશુ તેમ જણાવતાં પુત્રી બે-ત્રણ દિવસથી ગુમસુમ રહેતી હતી અને કોઇ સાથે વાતચીત કરતી ન હતી. પિતાએ વતનમાં જવાની ના પાડયાનું મનમાં લાગી આવતાં શુક્રવારે સવારના સમયે તેના ખેતરના શેઢે આવેલા ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતાં એસઆઇ કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતક યુવતિના પિતા કુંવરાભાઇના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.