જામનગરના ઇન્દિરા કોલોનીમાં રહેતી યુવતીએ તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ધ્રોલમાં હાડાટોડા ગામે રહેતાં યુવાનની કમળાની બીમારી સબબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના દિ.પ્લોટમાં રહેતા પ્રૌઢાએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન પાર્કમાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વામ્બે આવાસ લીલાપીઠના વાળા પાસે ઇન્દિરા કોલોનીમાં રહેતી સોનલીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.22) નામની યુવતીએ શનિવારે બપોરના સમયે તેના ઘરે રસોડામાં લોખંડના પાઈપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે રમેશભાઈ દ્વારા જાણ કરતાં હેકો.અમિતભાઈ નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા ખીમજીભાઈ ભુરાભાઈ પરમાર (ઉ.વ.31) ને ત્રણેક માસથી કિડની, લીવર તથા કમળાની બીમારી હોય રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલુ હતી. આ દરમ્યાન વધુ તબિયત લથડતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હેમંતભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં દિ.પ્લોટ 54 વિશ્રામવાડી પાછળ રહેતા કમલાબેન ગોપાલભાઈ ખાનીયા (ઉ.વ.51) નામના પ્રૌઢા એ શુક્રવારના બપોરના સમયે તેના ઘરે કોઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે કિશોરભાઈ દ્વારા જાણ કરતાં હેકો.આર.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો બનાવ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના નંદનવન પાર્કમાં રહેતા રઘુવીરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.59) નામના પ્રૌઢને ગત તા.19ના રોજ સાંજના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની પરીક્ષીતસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો ડી.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.