જામનગર શહેરના નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં રહેતાં યુવાનને ચાર વર્ષથી થયેલી ગોળાની બિમારીને કારણે જિંદગીથી કંટાળીને તેના ઘરે પંખામાં ટીવીના કેબલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતાં આધેડને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ધનજીભાઈ રાણેવાડીયા (ઉ.વ.35) નામના યુવાનને છેલ્લાં ચાર વર્ષથી ગોળાની બીમારીના કારણે પગ સતત દુ:ખતા હતાં જેના કારણે ચાલી શકતો ન હોવાથી અવાર-નવાર સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને શનિવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં ટીવીના કેબલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઈ ગયો હતો. બનાવ અંગે સુરેશભાઈ દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પહોંચી જઇ યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા લાલુભા ચંદુભા જાડેજા (ઉ.વ.51) નામના આધેડને શનિવારે વહેલસવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા બેુશધ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિજયસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.