ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે હાલ રહેતા અને મૂળ બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણના લગ્ન આજથી આશરે છ વર્ષ પૂર્વે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના સનાળી ગામે રહેતા શારદાબેન ધીરુભાઈ તાવીયાની પુત્રી અસ્મિતાબેન સાથે થયા હતા.
અસ્મિતાબેનને તેનીના લગ્નજીવન દરમિયાન છેલ્લા આશરે ચારેક વર્ષથી બોટાદના મૂળ વતની એવા પતિ મનસુખભાઈ, સાસુ સવિતાબેન ઓધવજીભાઈ ચૌહાણ અને વિંછીયા ગામે રહેતા નણંદ શોભનાબેન રસિકભાઈ દ્વારા વિવિધ પ્રકારે શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હતો.
આ દરમિયાન અસ્મિતાબેનના પતિ મનસુખભાઈને સરકારી શિક્ષક તરીકેની નોકરી કાયમી થઈ જતા તેના દ્વારા “તું ગમતી નથી. તારાથી સારી છોકરી મને મળી જશે. તું તારા ઘરે જતી રહે કે મરી જા. મારે તારી સાથે રહેવું નથી” તેમ કહી, અવાર-નવાર મારકૂટ કરવા ઉપરાંત સાસુ દ્વારા પણ વિવિધ પ્રકારે મેણાટોણા મારવામાં આવતા હતા. આ ઉપરાંત નણંદ શોભનાબેન પણ તેણીને જણાવતા હતા કે “મારા ભાઈને સરકારી નોકરી લાગી ગઈ છે. તું તારા ઘરે જતી રહે” આ પ્રકારના સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને ગત તારીખ 26 માર્ચના રોજ તેણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. મૃતક પરણીતાને ચાર વર્ષનો એક પુત્ર હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના માતા શારદાબેન ધીરુભાઈ તાવિયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે પતિ, સાસુ તથા નણંદ સામે આઈ.પી.સી. કલમ 306, 498 (ક) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.