જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર આવેલી યોગેશ્ર્વરધામ સોસાયટીમાં રહેતાં અને એરફોર્સના કર્મચારી યુવાનની પત્નિએ લગ્નજીવન દરમિયાન સંતાન ન થવાથી પતિ સાથેની બોલાચાલીનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર આવેલી યોગેશ્ર્વરધામ સોસાયટીમાં રહેતા અને ઉત્તરપ્રદેશના ચાંદપુર ગામમાં વતની શૈલેન્દ્રકુમાર અશોકકુમાર ત્રિવેદી નામના વિપ્ર યુવાનના રાશીબેન સાથેના લગ્નજીવનને સાત વર્ષનો સમય થયો હતો. તે દરમિયાન સારવાર કરાવ્યા છતાં પણ સંતાન ન થવાથી પતિ સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં શનિવારે સવારના સમયે પતિ શૈલેન્દ્રકુમાર નોકરી પર ગયા હતાં તે દરમિયાન ઘરે એકલા રહેલા રાશીબેન શૈલેન્દ્રકુમાર ત્રિવેદી (ઉ.વ.30) નામની મહિલાએ તેના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બપોરના સમયે પતિ ઘરે પરત ફરતાં પત્નિની આત્મહત્યા અંગેની જાણ કરતાં પીએસઆઇ એન.જે. રાવલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.