લાલપુર ગામના શિવનગરમાં રહેતાં યુવાનના બે વર્ષ પહેલાં લગ્ન થયા બાદ પત્ની રિસામણે જતી રહી હતી અને યુવાનના ઘરના સભ્યો વિરૂધ્ધ કરેલી પોલીસ ફરિયાદ બાદ કોર્ટ કેસ ચાલુ હતો. જેથી પત્નીને અનેક વખત સમજાવવા જતા સમાધાન કરવા તૈયાર ન હોવાથી એકલવાયા જીવનથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રંગપર ગામનો વતની અને હાલ લાલપુરના શિવનગરમાં રહેતા અમરશી રાણાભાઈ બગડા (ઉ.વ.35) નામના મજૂરી કામ કરતા યુવાનના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતાં. લગ્ન જીવન દરમિયાન પત્ની સાથે અણબનાવ થતા રીસામણે જતી રહી હતી. માવતરે ગયા બાદ પત્નીએ પતિ અને સાસરિયાઓ વિરૂધ્ધ કરેલી પોલીસ ફરિયાદ બાદ કોર્ટ કેસ ચાલુ હતો. દરમિયાન પતિ તથા સાસરિયાઓ દ્વારા પત્નીને અનેક વખત સમાધાન કરી લેવા માટે સમજાવવામાં આવી હોવા છતાં પત્ની સમજવા તૈયાર ન હતી. જેના કારણે વધુ પડતી ચિંતામાં રહેતાં અને એકલવાયા જીવનથી કંટાળીને યુવાને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ શાંતિલાલ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.