જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ તેણીની છ માસની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અજાણ્યા પુરૂષનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ કટારિયા નામના યુવાનની પુત્રી વર્ષાબેન કટારિયા (ઉ.વ.19) નામની અભ્યાસ કરતી યુવતીને છેલ્લાં છ માસથી માનસિક બીમારીની સારવાર ચાલુ હોવા છતાં તબીયતમાં સુધારો થતો ન હોવાથી બીમારીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે તેણીના ઘરે રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો વી.વી. બકુત્રા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આશરે 40 વર્ષના અજાણ્યા પુરૂષનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. આ અંગે તેજશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.