કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રહેતી યુવતીને તેણીની માતાએ નવા કપડા લેવાની ના પાડતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામમાં રહેતી મહિલાએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. મધ્યપ્રદેશના વતની અને કલ્યાણપુરના સતાપરમાં રહેતાં અને મજૂરી કામ કરતા પરપ્રાંતિય યુવાને તેના ખેતરમાં કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવવા અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ ગોવિંદભાઈ ધોકિયાએ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે.
બીજો બનાવ, ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણાએ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજો બનાવ, મધ્યપ્રદેશ રાજ્યના ધાર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી, અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા બહાદુરભાઈ કેલસીંગ આદિવાસી નામના 35 વર્ષના યુવાને શનિવારે કોઈ અગમ્ય કારણોસર એક આસામીની વાડીમાં પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મટુબેન બહાદુરભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.