જામનગરના લાખાબાવળના નાળિયેરીવાળી જમીન બિનખેતીમાં હુકમને રદ્ કરવા જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નીતિન માડમ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં સરકાર દ્વારા નાળિયેરીના વાવેતર માટે આપેલી જમીનોનો વિવાદ લાંબા સમયથી ચર્ચાનો મુદ્ો બન્યો છે. આ અંગે લાખાબાવળ, કનસુમરા અને નાઘેડીની નાળિયેરીવાળી જમીન અંગે નીતિન માડમ દ્વારા આરટીઆઇ દ્વારા માહિતી માગી હતી. જેમાં યોગ્ય જવાબ ન મળતાં માહિતી આયોગમાં બીજી અપીલ પણ દાખલ કરી હતી. આમ છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. દરમિયાન અરજદાર જશ્મીનના નામે આવેલ જમીન બિનખેતીમાં ફેરવી આપી હતી. જે હુકમને સ્થગિત કરવા પણ પત્ર લખ્યો હતો. આમ છતાં કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી.
કલેકટરના લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પ્રાંત અધિકારી, કલેકટર સહિતનાના હુકમોમાં જણાવ્યા મુજબ સર્વે નં. 160, 161, 162 નાવુભાઇ મોટાભાઇએ નાળિયેરીના વાવેતર માટે અપાયાની હકીકત નોંધ નં. 454થી તથા નમુના આઇ (1)માં લેવાયેલ કબુલાતની શરતે ફલિત થાય છે કે, નાળિયેરી વાવેતરની જમીન ખાસ હેતુ માટેની છે. ખાસ વસુલાત અધિકારીને જમીનનો હેતુફેર કરી આપવાના અધિકારીઓ હોવાના આધારો રજૂ થતાં નથી. ગુજરાત સરકારના તા. 14-12-2022ના હુકમમાં રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે. કલેકટર જામનગરના તા. 18-10-2021ના હુકમમાં કાયમ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાંત અધિકારીના હુકમમાં આ જમીનો સરકાર દ્વારા નાવુભા મોટાભાઇને નાળિયેરીના વાવેતર માટે આપવામાં આવી હોવાની નોંધ કરાઇ છે. તા. 21-3-2022થી બિનખેતી હુકમ અરજદાર જશ્મીનના નામે રે.સ.નં. 160 (નવા રે.સ.નં. 321)વાળી જમીન બિનખેતીમાં ફેરવી આપીશું જે નિયમો તથા કાયદાની દ્રષ્ટિએ નાળિયેરીવાળી જમીન તથા ખાસ હેતુ માટેની જમીન હેતુફેર ન થઇ શકે. આથી બિનખેતી હુકમને રદ્ કરી મુળ સ્થિતિ એટલે કે, નાળિયેરીવાળી જમીનમાં ફેરવી શરત ભંગ થયેલ હોય, ખાલસા કરવા હુકમ કરવા માગણી કરાઇ છે. જો આ અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો વડાપ્રધાનને તથા રાજ્યના મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.