જામનગરમાં ગાંધીનગર સ્મશાનને જોડતો રોડ બનાવવા હિન્દુ મોક્ષ મંદિર દ્વારા માંગણી કરવામાં આવી છે. કમિશનરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રેલવે સ્ટેશનના ગેઇટ પછી આવતાં પુલિયાથી ગાંધીનગર સ્મશાન સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હોય લોકોને આવવા જવામાં તેમજ શબ વાહિનીને પસાર થવામાં પણ ખૂબજ મુશ્કેલી પડી રહી છે. આ રસ્તાનો ઉપયોગ મોમાઇ નગર, ગાંધીનગર, સોનિયાનગર, જલારામ નગર, પુનિત નગર જેવા વિસ્તારોમાં આવન-જાવન માટે કરવામાં આવી રહ્યો છે. તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ સ્મશાન નજીક જ આવેલું છે.
જેને કારણે આ માર્ગ ઉપર ભારે વાહનો સહિત અસંખ્ય વાહનોની અવરજવર થાય છે. ચોમાસા દરમ્યાન આ માર્ગ અત્યંત બિસ્માર થઇ ગયો હોય લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઇ છે. ત્યારે તાકિદે પુલિયાથી સ્મશાન સુધી નવો રોડ બનાવવા જરૂરી બની ગયો છે. સાથે-સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, 15 દિવસમાં આ રસ્તો બનાવવામાં નહીં આવે તો વોર્ડ નં. 2ના રહેવાસીઓ દ્વારા આ માર્ગ પછી કચરના ડમ્પરોની અવરજવર અટકાવી દેવામાં આવશે.